અગાઉની પત્ની સાથે બીજા લગ્ન થઇ ગયા હોવા છતાં પ્રેમસબંધ ચાલુ રાખતા ત્રણ શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી નિપજાવી હત્યા: આરોપીઓ ફરાર: સીટી સી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો: આરોપીઓને ઝડપી લેવા દોડધામ  
જામનગર મોર્નિંગ - જામનગર 
કલ્યાણપુરના પાનેલી ગામે રહેતા યુવાન પર જામનગરના કનસુમરા ગામના પાટીયા પાસે ત્રણ શખ્સે રસ્તામાં આંતરી લઇ સશસ્ત્ર હતિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતક યુવાને અગાઉની પત્નિ સાથે પ્રેમ સબંધ ચાલુ રાખતા અને મોબાઈલ ફોન પર વાતચીત કરતા હાલના પરણિતાના પતિ સહિતના શખ્સોએ  આ બનાવને અંજામ આપતા સીટી સી ડિવિઝનના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.   
આ ચકચારી બનાવની વિગત છે કે, કલ્યાણપુરના પાનેલી ગામે રહેતા ધીરૂભાઇ માણસીભાઈ હાજાણી (ઉ.વ.60) નામના પ્રૌઢના દીકરા જાલણ ઉર્ફે જાલમ(ઉ.વ.25)ના લગ્ન જામનગરના ગોકુલનગર ખાતે હાલ રહેતા સગરાજભાઈ હાજાભાઇ હાજાણી હાલની પત્નિ કુંવરબેન સાથે અગાઉ થયા હતા. તે બાદ કુંવરબેને સગરાજભાઈ હાજાણીનું ઘર માંડ્યું હતું, બીજી તરફ જાલણના ભાઈ બ્રીજકરણને સગરાજની અગાઉની પત્નિ પાલીબેન સાથે પ્રેમ સબંધ બંધાતા બાદમાં બ્રીજકરણએ પાલીબેનને ભગાડીને લઈ જઈ પોતાના ઘરમાં બેસાડેલ, જે તે સમયે આ બાબતે બંને પરિવાર વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું, ત્યારબાદ જાલણએ પત્નિ કુંવરને સગરાજભાઈને સોંપી દીધેલ, તેમ છતાં પણ જાલણ અને કુંવર વચ્ચે પ્રેમ સબંધ ચાલુ હોય અને અવાર-નવાર મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય જેનો ખાર રાખી સગરાજ હાજા હાજાણી, વિહાભાઈ છગાભાઇ હાજાણી અને હેમસુર લાખુરભાઈ હાજાણી (રહે. ત્રણેય ગોકુલનગર, જામનગર) નામના શખ્સે પૂર્વાયોજીત કાવતરૂ રચી કનસુમરાના ગામના પાટીયા પાસેથી પસાર થતા જાલણને રસ્તામાં રોકી શસસ્ત્ર હથિયાર વડે ત્રણેય શખ્સ તેના પર તૂટી પડ્યા હતા અને આ જીવલેણ હુમલામાં જાલણને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા સીટી સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકના પિતા ધીરૂભાઈ માણસીભાઈ હાજાણીની ફરિયાદ પરથી  હુમલો કરી નાસી છૂટેલા શખ્સો સામે હત્યા સહિત જુદી-જુદી કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. આ બનાવથી ચકચાર મચી જવા પામી છે.