જામનગર તા. ર૭ઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. પવનની ગતિ અને ભેજમાં થયેલા ઘટાડાના પગલે ગરમીનું પ્રમાણ વધુ રહ્યું હતું.
રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી રહી છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી હિટવેવના કારણે રાજ્યના વિવિધ શહેરો જાણે ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા હોય તેવા તપી રહ્યા છે.
સુરેન્દ્રનગર ૪૪.૪ ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૪૩.૩ ડીગ્રી, ભૂજમાં ૪૪.ર ડીગ્રી, કંડલામાં ૪૪.૧ ડીગ્રી, અમરેલીમાં ૪૪ ડીગ્રી, રાજકોટમાં ૪૩.૬ ડીગ્રી જેટલું તાપમાન નોંધાતા જનતાએ અંગ દઝાડતી કાળઝાળ ગરમીના અનુભવ સાથે ત્રાહિમમ્ પોકારી ઊઠ્યા હતાં.
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભેજમાં પચ્ચીસ ટકાનો તથા પવનની ગતિમાં પણ ઘટાડો નોંધાયો હતો. જેના પગલે જામનગર તથા ખાસ કરીને દરિયાકાંઠાથી દૂર આવેલા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધારે નોંધાયું હતું.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૪ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૮ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.