મહિલાઓની ફરિયાદના આધારે કાર્યવાહીનો બચાવ : પ્રેમીપંખીડાના આશ્રયને સ્થાન આપવાની ફરિયાદ ચોપડે નોંધણી જ નહીં???

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર લાખોટા તળાવ પરિસરમાં વોકિંગ અને જોગીંગમાં સુરૂચીભંગ થાય તેવા પોશાક પહેરી શહેરીજનો પ્રવેશ ન કરે તેની તકેદારી રાખવા જામ્યુકોના સિટી ઇજનેરે સિક્યુરિટી એજન્સીને લેખિતમાં તાકીદ કરતા ભારે આશ્ચર્યની સાથે વિવાદના એંધાણ સર્જાયા છે. વોકિંગ અને જોગિંગમાં યુવાનો, પુરૂષો ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા સુરૂચીનો ભંગ થતો હોવાની મહિલાઓની ફરિયાદ મળતા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉનાળાનો પ્રારંભ થતા જ શહેરના રણમલ તળાવ પર સવારે અને સાંજે વોકિંગ અને જોગીંગ કરવા માટે બહોળી સંખ્યામાં શહેરીજનો આવે છે. આ સ્થિતિમાં ખાસ કરીને પુરૂષો અને યુવાનો બર્મુડા કે ટૂંકી ચડ્ડી જેવા ખુબ જ ટૂંકા પોશાક પહેરીને વોકિંગ અને જોગીંગમાં આવતા સુરૂચીનો ભંગ થતો હોવાની ફરિયાદ કેટલીક મહિલાઓએ તળાવની પાળની ખાનગી સિક્યોરીટી એજન્સી અને મનપામાં કરી હતી. જેના પગલે મનપાના સીટી ઇજનેરે તા. 5 એપ્રિલના રણમલ તળાવની ખાનગી રાજ સિક્યુરીટીને એક પત્ર પાઠવ્યો હતો. જેમાં જામ્યુકો દ્વારા રણમલ તળાવને નયનરમ્ય અને સુદ્ધઢ રીતે ડેવલોપ કરવામાં આવ્યું છે. ત્યાં લોકો કોઈ અશોભનીય, સુરૂચિનો ભંગ થાય તેવા પોશાક પહેરીને તળાવમાં દાખલ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે તેમ જણાવતાં શહેરીજનોમાં ભારે આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.   
જામનગર મહાનગર પાલીકા દ્વારા બ્યુટીફિકેશનના ભાગરૂપે લાખોટા તળાવને રીનોવેશન કરીને અંદર રહેલા સંખ્યા બંધ ઝરૂખાઓ પણ સુશોભીત કરાયા છે. પરંતુ કાળઝાળ ગરમીમાં આ ઝરૂખાઓ જામનગરના પ્રેમી પંખડીઓનું આશ્રયસ્થાન બની ગયું છે. દરરોજ બપોરના સમયે આવી તસવીરો જોવા મળે છે સિક્યોરીટી ગાર્ડન ટીમ આ મામલે કેમ ધ્યાન આપતી નથી તે સવાલ ઉભો થાય છે. જામનગરના લાખોટા તળાવની ફરતે ઝરૂખાઓ તૈયાર છે. આ ઉપરાંત કેટલાક સ્થળે મહેંદીવાડની આજુબાજુમાં બેન્ચ ગોઠવી દઈ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ કેટલાક પ્રેમી પંખીડાઓ તેનો દુરૂપયોગ કરી રહ્યા છે. હાલ કાળઝાળ ગરમીના સમયમાં બપોરે આવા પ્રેમીજોડાઓ તળાવમાં પ્રવેશ મેળવી લીધા પછી જુદા-જુદા ઝરૂખાઓમાં બેસી જાય છે. અને અશ્વલીલ હરકતો કરતા જોવા મળે છે. રવિવારે બપોરે અડધો ડઝનથી પણ વધુ પ્રેમી જોડાઓ પોતાની પ્રેમલીલામાં વ્યસ્ત જોવા મળેલ છે તેઓ એવા મશગુલ અને એકબીજામાં ખોવાઈ ગયા હતા કે તેઓની કામાંધ લીલા કોઈ તસ્વીરકાર દ્વારા કેમેરામાં કેદ કરી લીધી હતી તેની પણ જાણકારી મળી ન હતી.
જામનગર મહાનગરપાલીકા દ્વારા તાજેતરમાં તળાવની અંદર પ્રવેશના મુદ્દે નિયમો જારી કરવામાં આવ્યા છે પરંતુ ખુલ્લેઆમ આવા પ્રેમી જોડાઓ પોતાની કામલીલા આચરતા હોય છે તેઓને લગામ લગાવવાની અથવા અટકાવવાની કાર્યવાહી કેમ થતી નથી માત્ર 10 રૂપિયાની પ્રવેશ ફી મેળવીને પ્રેમી પંખીડાઓ કલાકો સુધી પોતાનું મનોરંજન માણી લેતા હોય છે જેના ઉપર તળાવની અંદર મુકવામાં આવેલી સિક્યોરીટીની મહિલાઓ સહિતની ટીમોનું આના ઉપર કેમ ધ્યાન જતું નથી અથવા તો તેઓની મીઠી નજર હેઠળ જ આ કારસ્તાન ચાલી રહ્યું છે કે કેમ ?? તે પણ એક સવાલ છે. પ્રેમી પંખીડાઓનું મિલન સ્થળ બની ગયેલા ઝરૂખાઓ ઉપર જામનગરની રોમિયો સ્કવોર્ડની ટીમે પણ કાર્યવાહી કરવાની જરૂર છે.