પ્રદુષણ નિયત્રંણ બોર્ડ ફરિયાદ બાદ સિક્કા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર - ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ અને શાપર ગામની વચ્ચે આવેલા તળાવમાં ફેંકવામાં આવેલા બેરલોના પ્રકરણમાં આખરે પર્યાવરણને નુકશાની પહોંચાડવા અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને પર્યાવરણ બોર્ડ એસઓજી શાખા અને સિક્કા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડનકી દઈ પ્રદુષિત કેમિકલ ફેંકી જનારની શોધખોળ હાથ ધરી છે જયારે ઉપરોક્ત જથ્થાના નિકાલ માટે કોર્ટની તેમજ પ્રદુષણ નિયત્રંણ બોર્ડની હેડ ઓફિસની મંજુરીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. 
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ અને શાપર ગામની વચ્ચે આવેલા તળાવમાં કોઈ અજ્ઞાત શખ્સો દ્વારા અંદાજે 500 જેટલા બેરલોમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો જે અંગેની જાણકારી મળતા ભારે દોડધામ મચી ગઈ હતી ગ્રામજનો દ્વારા બેરલો ઉઠાવવવાની નિયત્રંણ બોર્ડને જાણ કરી હતી મોડીસાંજે પ્રદુષણ નિયત્રંણ બોર્ડની ટીમ અને એસઓજી શાખાની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નિરક્ષણ કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં કોઈપણ કેમિકલ ફેક્ટરીમાંથી બહાર નીકળતો બાયો વેસ્ટ કે જે લીકવીડ ના સ્વરૂપમાં હોય તેનો નિકાલ કરવા માટે અંદાજે 500 જેટલા બેરલમાં ભરીને જુદા-જુદા એકથી વધુ વાહનોમાં શાપર નજીકના તળાવમાં ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવ્યા હોવાનું અનુમાન કરાયું છે, એક બેરલમાં 200 લીટર બાયોવેસ્ટની ગણતરીએ અંદાજે આઠેક ટન જેટલો જથ્થો અહીં ફેંકવામાં આવ્યો હોવાનું તારણ નીકળ્યું છે, જામનગર જિલ્લામાં આવી કોર ફેક્ટરી નહીં હોવાનું ઓરતું અન્ય જિલ્લામાંથી કોઈ શખ્સો આ વેસ્ટેજનો નિકાલ કરી ગયાનું અંદાજવામાં આવ્યું છે. 
પ્રાથમિક તપાસના અંતે મંગળવારે મોડીસાંજે જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી ગુજરાત પ્રદુષણ બોર્ડની કચેરીના પ્રદુષણ અધિકારી ભાયાભાઈ ગીગાભાઈ દ્વારા સિક્કા પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કોઈ અજ્ઞાત શખ્સો દ્વારા માનવ જિંદગી તેમજ પર્યાવરણને નુકશાન કરે તેવા પદાર્થ (કેમિકલ)ને 500 જેટલા બેરલમાં ભરીને ફેંકી જઈ જળાશય તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને હાની થાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય આચરવા અંગે અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં સિક્કા પોલીસે આ મામલે આઇપીસી કલમ 269, 277, 278, 284 અને પર્યાવરણ અધિનિયમ 7(1) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રદુષિત કેમિકલના નિકાલ માટે અદાલતની મંજુરીની કાર્યવાહી 
બેડ ટોલનાકાના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ 
જામનગર નજીક બેડ શાપર વચ્ચે આવેલા તળાવમાં ફેંકવામાં આવેલા કેમિકલના વેસ્ટર્ન જંગી જથ્થાના નિકાલ માટે પોલીસ દ્વારા જામનગરની અદાલત સમક્ષ રિપોર્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રદુષણ નિયત્રંણ બોર્ડ દ્વારા કચેરીને રિપોર્ટ કરાયો છે, એસઓજી સહિતની પોલીસ ટીમ દ્વારા આ બાયોવેસ્ટનો નિકાલ કરવા આવનાર વાહન ચાલકને શોધવા માટે બેડના ટોલનાકા તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
જામનગર પ્રદુષણ નિયત્રંણ બોર્ડ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગયા પછી કેમિકલના સેમ્પલો કબ્જે કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે જયારે તેનો નિકાલ કરવા માટે ગુજરાત મુખ કચેરીએ પત્ર પાઠવી રજુઆત કરવા માટે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તાર માટે કચ્છના સુરજબારીના પુલની થોડે દૂર એક જગ્યા ઉભી કરાઈ છે જ્યાં તેનો નિકાલ કરવાની સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે જે સ્થળે જ આવું કેમિકલ લઇ જઈ 1300 ડીગ્રી તાપમાનમાં તેને બાળી નાખવામાં આવતું હોય છે પરંતુ કોઈ અજ્ઞાત શખ્સો દ્વારા બેડ-શાપરના તળાવમાં ફેંકી ગયું છે જેથી સમગ્ર જથ્થાને એકત્ર કરી કચ્છમાં લઇ જવું પડશે અને તેને સળગાવી નાખવાની જરૂરત રહેશે.
જેથી તેની મંજુરી મેળવી આ જથ્થો ફેંકી જનાર શખ્સોનો પતો મળી જાય તો તેના ખર્ચે નિકાલ કરવામાં આવશે પરંતુ કોઈ સામે નહીં આવે સ્થળ મળશે નહીં તો પ્રદુષણ નિયત્રંણ બોર્ડ સરકારના ખર્ચે આ જથ્થાનો નિકાલ કરશે. ત્યાં સુધી આ જન આરોગ્ય માટે હાનિકારક જથ્થાને સિક્કા પોલીસ દ્વારા કોર્ડન કરી સુરક્ષિત કરી દેવાયો છે, પોલીસે પણ આ વેસ્ટ કેમિકલનો નિકાલ કરવા માટે જામનગરની અદાલત સમક્ષ રિપોર્ટ કરાયો છે અને એફએસએલની ટીમ દ્વારા તેના નમુનાઓ લેવાયા છે હાલ તળાવની ફરતે બંદોબસ્ત મુકી દેવાયો છે.
જામનગરની એસઓજી શાખા એલસીબી શાખા તેમજ સિક્કા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સંયુક્તરીતે તપાસનો દોર આગળ ધપાવી કેમિકલનો જથ્થો ફેંકી જનાર વાહન ચાલકને શોધી કાઢવા માટે બેડ ટોલનાકા તેમજ આસપાસના હાઇવે રોડ પરના અન્ય સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો છે એકાદ સપ્તાહ દરમ્યાન અને એકથી વધુ વાહનમાં હેરાફેરી કરવામાં આવી હોવાનું અનુમાન લગાવી તેટલા દિવસના ફુટેજ નિહાળી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 

કેટલાક બેરલો ગામ લોકો લઇ ગયા 
મળતી માહિતી અનુસાર 500થી 700ની સંખ્યામાં પ્લાસ્ટીક અને પતરાના બેરલમાં પેક કરેલો જથ્થો અહીં ઠાલવવામાં આવ્યો હતો. આ અંગે આસપાસના લોકોને જાણ થતા કેટલાક લોકો પ્લાસ્ટીકના બેરલ ખાલી કરીને પાણી ભરવાના ઉપયોગ માટે લઇ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કેમિકલ કચરાનો નિયમ મુજબ કરવાનો હોય છે નિકાલ 
મળતી વિગત મુજબ કોઈપણ ઐધોગિક કચરાનો નિયત કરાયેલા નિયમો મુજબ અને નિયત સ્થળોએ નિકાલ કરવાનો હોય છે અન્ય કોઈ સ્થળે કે પ્રકારે તેનો નિકાલ કરવામાં આવે તો કાયદામાં સખ્ત સજા અને ભારે દંડની જોગવાઈઓ છે.