બ્રેઈન હેમરેજના કારણે મૃત્યુ નિપજ્યાનું ડીન દ્વારા જાહેર: મેડિકલ કેમ્પસમાં શોકની લાગણી  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેસીડન્ટ ડોક્ટરનું મોત નિપજતા જી.જી. હોસ્પિટલના ડીન સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા બીજી તરફ પોલીસે પણ સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મુળ મદ્રાસના આ ડોક્ટરનું આકસ્મિક મૃત્યુ નિપજતા તેઓના પરિવારને જાણ કરતા મૃતક ડોક્ટરનો કબજો લેવા મદ્રાસથી આવી પહોંચશે તેવું જાણવા મળી રહ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ મોત થયાનું જણાય બાદ હાલ તો તેઓનું બ્રેઈન હેમરેજથી મૃત્યુ નિપજ્યાનું ડીન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 
મળતી વિગત મુજબ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મુળ મદ્રાસના વતની ડોક્ટર દિપકભાઈ(ઉ.વ.28) રેસીડન્ટ ડોક્ટર તરીકે છેલ્લા વર્ષમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને પ્રેક્ટિસ ચાલુ હોય દરમ્યાન ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે મેડિકલ કેમ્પસમાં તેઓના નિવાસ્થાનેથી બેભાન હાલતમાં મળી આવતા અને જાણ થતા તેઓને જી.જી. હોસ્પિટલમાં જ સારવાર માટે લઇ જવાયા હતા દરમ્યાન મૃત્યુ નીપજ્યું હોય, પ્રથમ દ્રષ્ટિએ તેઓનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું લાગતાં અને બીજી બાજુ આ બનાવની જાણ થતા ડીન નંદનીબેન દેસાઈ સહિતના ડોકટરો ઇમરજન્સી વોર્ડમાં દોડી ગયા હતા અને બાદમાં ડીન દ્વારા તેઓનું બ્રેઈન હેમરેજના કારણે મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.
 આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, મૃતક અપરણિત હોય અને તેઓનો પરિવાર મદ્રાસ ખાતે રહેતો હોય અત્રેથી જાણ કરાતાં પરિવારજનો ગઈકાલ મોળી રાત સુધીમાં આવી પહોંચશે તેવું જાણવા મળે છે.  
રેસીડન્ટ યુવાન ડોક્ટરનું આકસ્મિક મૃત્યુ નિપજતા મેડિકલ કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.