લાકડાના ધોકાથી ઢીમ ઢાળી બંને થયા ફરાર: કામ ધંધા બાબતે ડખ્ખાનું કારણ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા મજુર યુવાનની બે સગા કાકાએ લાકડાનો ધોકો ફટકારી હત્યા નિપજાવતા સનસનાટી ફેલાઈ જવા પામી છે, કામ ધંધા બાબતે ત્રણેય અપરણીત શખ્સો વચ્ચે ડખ્ખો થયાનું પ્રાથમિક તારણ કાઢી પોલીસે હત્યા સબબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ત્રીજા ઢાળીયે એલ-30, રૂમ નં. 3265 ખાતે રહેતા મહાવીરસિંહ ભાવેશસિંહ રાઠોડ નામના 20 વર્ષના યુવાનની ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યના સુમારે તેના સગા કાકા વિક્રમસિંહ નારૂભા અને દોલુભા નારૂભાએ લાકડાનો ધોકો ફટકારી હત્યા નિપજાવી નાસી જતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી એ.પી.જાડેજા, સીટી એ પીઆઇ રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી મૃતક યુવાનની લાશને જી.જી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી આપી બંને સગા કાકા સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ત્રણેય કાકા-ભત્રીજા સાથે રહેતા હોય અને કામધંધા બાબતે ડખ્ખો થતા ઉશ્કેરાયેલા બંને કાકાએ યુવાનનું ઢીમ ઢાળી દઈ બાદમાં મકાન બંધ કરી પલાયન થઇ ગયા હતા બીજી તરફ આડોશી-પાડોશીઓ દેકારો થતા બંધ મકાન ખોલી જોયું તરત જ 108ને બોલાવી પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે બંનેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.