જુની અદાવતના કારણે પુર્વ પાડોશીએ કાસળ કાઢી નાખ્યું : પાળેલા કુતરાને લાકડી ફટકારવાના પ્રશ્ને અગાઉ તકરાર થઇ હતી 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરમાં આવાસ કોલોની વિસ્તારમાં રહેતા અને જેલમાં ટીફીન પહોંચાડવાનો વ્યવસાય કરતા એક યુવાન પર જુની અદાવતના કારણે સાત રસ્તા સર્કલ જેવા ભરચક્ક વિસ્તારમાં પૂર્વ પાડોશી રીક્ષા ચાલકે છરીના સાત જેટલા ઘા ઝીંકી દઈ નિર્મમ હત્યા નિપજાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે, પોલીસે હત્યારા આરોપીને અટકાયતમાં લઇ લીધો છે આઠ મહિના પહેલા પાળેલા કુતરાને લાકડી મારવાના પ્રશ્ને બંને વચ્ચે તકરાર થઇ હતી, જેના મનદુઃખના કારણે બદલો વાળવા આ હત્યા નિપજાવાઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. 
જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરના અંધાશ્રમ નજીક આવેલો આવાસ કોલોનીમાં રહેતા અને જેલમાં ટીફીન પહોંચાડવાનો વ્યવસાય કરતો દિપક પ્રભુલાલ જોઈસર નામનો 40 વર્ષનો ભાનુશાળી યુવાન શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં સાત રસ્તા સર્કલ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો જે દરમ્યાન તેના જ પૂર્વ પાડોશી રિક્ષાચાલક દીપેશ વિનોદભાઈ કનખરાએ ઉપરાછપરી છરીના સાત ઘા ઝીંકી દીધા હતા.
જે હુમલાના કારણે દિપક લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો બાદમાં 108ની ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો અને આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો બાદમાં પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હોવાથી પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો આ ઘટના પછી મૃતકની માતા, પત્ની વગેરે બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું.
આ સમયે પુત્રના મૃતદેહને જોઈને મૃતકની માતા બેશુધ્ધ બની ગઈ હતી, જેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું ત્યારે મૃતકના ભાઈ પ્રફુલભાઇ જોઈશર જે કિશાન ચોક વિસ્તારમાં રહે છે, જેની ફરિયાદના આધારે આરોપી રિક્ષાચાલક દીપેશ વિનોદભાઈ કનખરા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 302 અને 135(1) મુજબ ગુન્હો નોંધ્યો છે, એલસીબીની ટીમે કોમ્બિંગ હાથ ધરી રિક્ષાચાલકને અટકાયતમાં લઇ લીધો છે. 
આરોપી દીપેશ અને મૃતક દિપક અગાઉ આવાસ કોલોનીમાં પાડોશમાં રહેતા હતા ત્યારે મૃતકે શેરીનું એક કુતરૂ ભસતું હતું જે પાળેલા કુતરા અને આરોપીની રિક્ષાની સીટ ફાડી નાખતા આરોપીએ કુતરાને લાકડી વડે મારતો હતો જેની ના પાડતા બંને વચ્ચે તકરાર થઈ હતી ત્યારે પછી રિક્ષાચાલક છરી વડે હુમલો કર્યો હતો અને સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં હુમલાની ફરિયાદ નોંધાવી હતી, જે કેસ અદાલત સમક્ષ ચાલુ છે જેના મનદુઃખના કારણે સાત રસ્તા સર્કલમાં મળી જતા તેની હત્યા કરી નાખી હતી.