ભોગ બનનારનું એક પોલીસ કર્મચારી સાથે સગપણ થયું હતું
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતી એક યુવતીનું પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝી ગયા પછી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે, મૃતકનું ચાર મહિના પહેલા જ એક પોલીસ કર્મચારી સાથે સગપણ થયું હતું પરંતુ તબીબને સમગ્ર શરીરમાં કેરોસીનના સેમ્પલો જોવા મળ્યા હોવાથી અગ્નિસ્નાન દ્વારા તેનું મૃત્યુ નીપજ્યાનો અભિપ્રાય આપ્યો છે, કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવાઈ રહી છે. 
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતી શ્રધ્ધાબા કાલુભા ચુડાસમા નામની 20 વર્ષની યુવતી પોતાના ઘેર 95 ટકા આખા શરીરે દાઝી જતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવી હતી જેની સઘન સારવાર ચાલતી હતી જે દરમ્યાન યુવતીના પિતા દ્વારા તેણી બાથરૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે દાઝી ગઈ હોવાનું અને પોતે દરવાજો તોડી બાથરૂમમાંથી બહાર કાઢીને સારવાર માટે લઇ આવ્યા હોવાનું નિવેદન લખાવ્યું હતું.
પરંતુ સારવાર કરી રહેલા તબીબોને શ્રધ્ધાના શરીરમાં પગથી માથા સુધી અને કપડાના ભાગે કેરોસીનની સ્મેલ આવતી હોવાનું અને કેરોસીનની હાજરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી તેમણે પોલીસને જાણ કરી હતી અને આ બનાવ શોર્ટ સર્કિટનો નહીં પરંતુ કેરોસીનનો કારણે અગ્નિઅક્સ્માતનો હોવાનું જણાવ્યું હતું જેથી જી.જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફે કાગળો તૈયાર કરી વધુ તપાસ માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશને મોકલી આપ્યા હતા જે દરમ્યાન ગઈકાલે સવારે શ્રધ્ધાબાનું સારવાર દરમ્યાન મૃત્યુ નમીપજ્યું હતું. પ્રાથમિક તપાસ દરમ્યાન મૃતક યુવતીનું સગપણ આજથી ચાર મહિના પહેલા મુળ સરાપાદર ગામના વતની અને હાલ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અનિરુધ્ધસિંહ બળવંતસિંહ જાડેજા સાથે થયું હતું, 
અને તેણીના થોડા દિવસો પછી લગ્ન પણ યોજવાના હતા જે દરમ્યાન આ બનાવ બની જતા નાના એવા બાંગા ગામમાં ભારે ચકચાર જાગી છે, કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવાયું છે અને આ બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.