મહિલાઓ આડે બાઈક રાખી દેવતા ઠપકો આપનારા ત્રણ શખ્સો પર છરી બાજી-ધોકાવાળી કરાયાની ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ફુલેકાના પ્રસંગમાં રાસ રમી રહેલી સ્ત્રીઓને આડે બાઈક મુકી દેતા ડખ્ખો સર્જાયો હતો અને બાઈક આડું મુકનાર શખ્સ અને તેના સાગરીતોએ તકરાર કરી ત્રણ વ્યક્તિ ઉપર છરી ધોકા પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં કોળીના દંગા પાસે રહેતા આશિષ સુરેશભાઈ લીંબડ ત્યાં પ્રસંગ હોવાથી ફુલેકુ કાઢવામાં આવ્યું હતું અને પોતાના સગા સંબંધી જેમાં ખાસ કરીને બહેનો જાહેર માર્ગ ઉપર રાસ રમી હતી જે દરમ્યાન પ્રકાશ ઉર્ફે પકુ અને મુકેશ રસવાળો નામના શખ્સોએ બાઈક માર્ગ ઉપર આડું રાખ્યું હતું જેથી આશિષ લીંબડ અને તેના પરિવારજનો દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો જેથી આરોપી થોડી વાર માટે ચાલ્યા ગયા પછી અન્ય સાગરીતો સાથે સીધા બાઈક વગેરે વાહનોમાં આવી હંગામો મચાવ્યો હતો અને ફરિયાદી આશિષ ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો આ ઉપરાંત પરિવારજનના અન્ય બે શખ્સો કંચનબેન અને મનસુખભાઈ ઉપર ધોકા પાઇપ અને છુટા પથ્થરના ઘા કરી ઇજા પહોંચાડી હતી અને ડખ્ખો કરી તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. 
આ હિચકારા હુમલાના બનાવથી ફુલેકામાં વિઘ્ન ઉભું થયું હતું અને ભારે નાસભાગ મચી ગઈ હતી, પોલીસે આ ઘટનાની જાણ થતા સીટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, હિચકારા હુમલાના આ બનાવ અંગે આરોપી પ્રકાશ ઉર્ફે પકુ, મુકેશ રિક્ષાવાળો, પરેશ ગોપાલ, મકવાણા ગુડુ દલાભાઈ, રવિભાઈ, હિતેષ બાબુભાઇ, ભોલીયો અને દેવાભાઈ વગેરે આઠ આરોપીઓ સામે પોલીસે રાયોટીંગ મુજબ ગુન્હો નોંધ્યો છે અને તમામની શોધખોળ હાથ ધરી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયેલ છે.