જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં બપોરે પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ આરોપીની ધરપકડ કરી હતી જે આરોપીઓ જામીન પર છુટ્યા પછી જુગારમાં પકડાયેલા બે આરોપી તથા એક મહિલા સહિત ત્રણ શખ્સોએ દરોડો પાડનાર પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે. 
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં બપોરે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડ્યો હતો અને આલા મારખીભાઈ નંદાણીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓની ધરપકડ કર્યા પછી તેઓને જામીન પર મુક્ત કર્યા હતા ત્યાર પછી આલાભાઈ નંદાણીયા નામનો આરોપી ઉશ્કેરાયો હતો અને દરોડો પાડનાર પોલીસ કર્મચારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું.
જામજોધપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ખીમશીભાઈ ગોવીંદભાઈ ડાંગર કે જેમણે ગોપગામમાં જુગારનો દરોડો પાડ્યો હતો જે દરોડાનો ખાર રાખીને ગોપ ગામમાં શા માટે દરોડો પાડ્યો છે બીજી વખત ગામમાં પગ મુકતા નહીંતેમ કહી જુગાર રમતા પકડાયેલા આરોપી આલાભાઈ નંદાણીયા તેમજ તેની પત્નિ સમીબેન આલાભાઈ નંદાણીયા અને પુત્ર રાજેશભાઈ આલાભાઈ નંદાણીયાએ પોલીસ કર્મચારીનું ગળું દબાવી મારકૂટ કરી હતી અને પોલીસની નોકરી કેમ કરો છો તેવી ધાકધમકી આપી હતી. 
ફરીથી ગોપ ગામમાં રેડ કરવા આવશો તો જીવતા જવા નહીં દઈએ તેવી ધમકી આપતા ત્રણેય આરોપીઓ સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ અને મારકૂટ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 186, 189, 332, 353, 504, 506 (2) અને 114 મુજબ ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસનો દોર આગળ ધપાવ્યો છે આ બનાવે જામજોધપુર પંથકમાં ચકચાર જગાવી છે.