લૂંટ-ધાડની તૈયારી કરી રહેલા પાંચ શખ્સો ઘાતક હથિયારો સાથે પકડાયા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં ગુન્હો કરવાના ઇરાદે પ્રવેશી રહેલી એક ધાડપાડુ ગેંગને એકબીની ટીમે પકડી પાડ્યા પછી આજે વહેલી સવારે વધુ એક ધાડપાડુ ગેંગના પાંચ શખ્સોને પકડી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને સફળતા સાંપડી છે, જેઓ પાસેથી કાર અને હથિયારો વગેરે કબ્જે કરી લઈ વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે, જે ગેંગ લૂંટ-ધાડ-ખૂન-મારા મારી સહિતના અનેક ગુન્હામાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત મુજબ જામનગર નજીક કનસુમરા ગામના પાટીયા પાસેથી બે દિવસ પહેલા એલસીબીની ટીમે વોચ ગોઠવી ધાડપાડુ ગેંગના આઠ સભ્યોને ઘાતક હથિયારો અને વાહનો સાથે પકડી પાડ્યા હતા અને તેઓ પાસેથી 10 થી વધુ હથિયારો અને વાહનો વગેરે કબ્જે કર્યા હતા. ઉપરોક્ત આરોપી ધાડ-પાડવાની પેરવીમાં હતા અને અગાઉ ખૂન-લૂંટ-ધાડ-મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલા અને પકડાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું હતું.
દરમ્યાન આજે શહેરની વધુ એક ગેંગને એલસીબીની ટીમે ઝડપી લીધી છે, શહેરના નાગેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા અને લૂંટ-ધાડ-મારામારી ખૂન અને ખૂનની કોશિશ સહિતના અનેક ગુન્હામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર એવા હિતેષ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા, હિતેષ ઉર્ફે ટકો મનસુખભાઈ ડોણાસીયા, રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડીયા, કુલદીપસિંહ લાલો નટુભા પરમાર અને રાહુલ મનસુખભાઇ ડોણાસીયાની એલસીબીની ટીમે ધરપકડ કરી લીધી છે અને તેઓ પાસેથી જીજે 10 યુ 9584 નંબરની ઇન્ડીકા કાર અને છરી-તલવાર, ગુપ્તી, લોખંડના પાઇપ અને લાકડી સહિત આઠ જેટલા હથિયારો કબ્જે કર્યા છે અને પાંચેયની ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ આર.ર.ડોડીયા, પીએસઆઈ કે.કે. ગોહીલ, એર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, અજયસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, દિનેશભાઈ ગોહિલ, લક્ષમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.