જામનગરમાં નકલી પોલીસ બનીને તોળ કરતી યુવતી સહિત ત્રણ શખ્સની ગેંગ ઝડપાઇ 
કાર-બે બાઈક સહિત સહિત રૂ. 11.57 લાખનો મુદામાલ કબ્જે: રિમાન્ડ પર લેવાની તજવીજ  
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર જિલ્લામાં પોલીસ તરીકેની ઓળખ આપી તોળ કરતી ગેંગને રોકડ રકમ સહિત રૂ. 11.57 લાખના મુદામાલ સાથે સીટી એ પોલીસે ઝડપી લીધા હતા, જેમાં ત્રણ આરોપીમાંથી એક યુવતી પણ સામેલ હોય આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરના લાલપુર બાયપાસ રહેતા મઢુલી હોટલ નજીક એક કાચો રસ્તો વાડી વિસ્તારમાંથી સાંઈબાબા મંદિર તરફ જતો હોય આ જગ્યાએ એક નવી સફેદ કલરની કાર જ નંબર પ્લેટ વગરની હોય તેની આગળ જીજે 10 ડીબી 3388 અને જીજે 10 સીઆર 4747 નંબરનું બાઈક ચલાવી અજાણ્યા ઈસમો પસાર થવાના હોય જે બાતમીના આધારે સીટી એ પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર રોકવી તેના ચાલકનું નામ પૂછતાં આ શખ્સે ગોગન કારાભાઈ બંધીયા (ઉ.વ.30), ધંધો વેપાર (આશીર્વાદ-4, ગોકુલ સોસાયટીના ગેઇટ પાસે પટેલ પાર્ક) પોતાનું નામ જણાવ્યું હતું તેમજ મોટરસાઇકલ ચાલકનું નામ પૂછતાં અંકિતાબેન (રહે. મારૂ કંસારા હોલની પાછળ, પુષ્કર ધામ સોસાયટી, રણજીતસાગર રોડ) હોવાનું જણાવ્યું હતું, જયારે અન્ય મોટરસાઇકલ ચાલકનું નામ પૂછતાં તેણે વિશ્વરાજસિંહ ગંભીરસિંહ જાડેજા (રહે. પટેલ કોલોની, શાંતિનગર-1) હોવાનું જણાવેલ બાદ ત્રણેય શખ્સ નકલી પોલીસ બનીને તોળ કરતી હોવાનું ખુલવા પામતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી રૂ. 10 લાખની કિંમતની કાર અને બે બાઈક તથા રૂ. 20 હજારની રોકડ રકમ સહિત કુલ મળી રૂ. 11.57 લાખનો મુદામાલ કબ્જે લઈ યુવતી સહિતના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે, ત્રણેયએ જામનગરના સાહિલ નામના યુવક પાસેથી રૂ. 20 હજારની રોકડ તથા એક મોબાઈલ ફોન પડાવી લીધાની કબૂલાત આપી છે. નકલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિશા ઓળખ આપતી હોવાની કબૂલાત આપી હતી.
આ કાર્યવાહી પીએસઆઈ વી.એ.આહીર, ભરતભાઈ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવ્યા હતા.