રાજકોટની જેમ જામનગરમાં પણ લોક દરબાર યોજવાની જરૂરત: નગરના એક પ્રૌઢ વ્યાજખોરોના રૂ. એકાદ કરોડના ચક્કરમાં જીવ ગુમાવ્યો: પરિવારજનોના હંગામા પછી પોલીસે ગુન્હો નોંધ્યો પરંતુ આરોપી હજુ ફરાર
જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેર અને જિલ્લામાં કેટલાક વ્યાજખોરો બેફામ બન્યા છે અને લોકોની મજબુરીનો લાભ લઈને પાંચ ટકાથી 30 ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલી રહ્યા છે જેના કારણે વ્યાજના વિષચક્રમાં ફસાયેલી વ્યક્તિએ ઘર છોડવું પડે છે અન્યથા જિંદગી પણ ગુમાવવી પડે છે તાજેતરમાં જ એકાદ કરોડના વ્યાજના ચક્કરમાં એક પ્રૌઢે જીવ ગુમાવ્યો હતો અને પરિવારજનોના ભારે હંગામા પછી આખરે 10 વ્યાજખોરો સામે ગુન્હો નોંધ્યો હતો પરંતુ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે અને બેફામ ફરી રહ્યા છે, રાજકોટમાં વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા લોકદરબાર યોજાઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ આવા લોકદરબાર યોજી વ્યાજખોરોને શોધી કાઢી તેઓ સામે સખ્ત પગલાં ભરવા અને ગરીબ પ્રજાને તેઓની ચુંગલમાંથી બચાવી લેવાની ઉગ્ર માંગ ઉઠી છે.
જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનું દુષણ ખુબજ વધુ ગયું છે અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ એવી મજબુર જનતાને પોતાના સાણસામાં ફસાવી લઇ પાંચ ટકાથી ત્રીસ ટકા સુધીનું રાક્ષસી વ્યાજ વસુલવામાં આવે છે, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં આવા ડઝનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ અનેક કિસ્સાઓ હજુ પોલીસ સુધી પહોંચ્યા નથી, અને નિર્દોષ નાગરિકો વ્યાજખોરોના શિકાર બની રહ્યા છે, ક્યાંક તંત્રની મીઠી નજર પણ હોવાથી આવા કિસ્સાને ડામી દેવામાં આવતા હોવાનું પણ મળી રહ્યું છે.
જામનગરના પખવાડીયા પહેલા જ હીરાભાઈ રાજાભાઈ પારીયા નામના 50 વર્ષના પ્રૌઢે ગળેફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની મહામુલી જિંદગી ગુમાવી દીધી હતી, બિલ્ડીંગ કન્ટ્રક્શનનું મટીરીયલ રેતી-પાણા-કપચી સહિતની માલ સામગ્રી સપ્લાય કરવાનો વ્યવસાય કરતા હીરાભાઈ અંદાજે કરોડ રૂપિયાના વ્યાજના વિષ ચક્રમાં સાંપડ્યા હતા અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે સૌપ્રથમ વ્યાજખોરો સામે લગામ લગાવવાના બહાને પરિવારજનો તથા અન્ય જ્ઞાતિજનો દ્વારા ભારે હંગામો મચાવાયો હતો અને ગુન્હો દાખલ થાય પછી જ મૃતદેહ સ્વીકારવાની જીદ પકડી હતી.
આખરે પોલીસ ટુકડીએ જી.જી. હોસ્પિટલ દોડી જઈ ગુન્હો દાખલ કરવાની ખાત્રી આપી હતી અને મૃતકના ભાઈની ફરિયાદના આધારે 10 વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં છ વ્યાજખોરોના નામો જાહેર કરવામાં આવ્યા હતા, જયારે અન્ય ચાર વ્યાજખોરો કે જેઓ અજાણ્યા હોવાનું જાહેર કરાયું હતું જે પ્રકરણની તપાસ હજુ ઠેરની ઠેર છે અને એકપણ વ્યાજખોરોની ધરપકડ થઇ નથી, અથવા બેફામ રીતે ફરી રહ્યા છે અને પોલીસ પકડથી દૂર રહ્યા છે.
થોડા દિવસો પહેલા ગાંધીનગર વિસ્તારમાં રહેતા કારખાનેદાર દોઢ કરોડના વ્યાજના વિષચક્રના કારણે જામનગર શહેર છોડવું પડ્યું હતું , અને કારખાનેદારની માતાની ફરિયાદના આધારે 17 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કોઈપણ પ્રકારની રિકવરી કર્યા વિના તમામ વ્યાજખોરોને પોલીસ મથકમાં જ મુક્ત કરી દેવાયા હતા તેજ રીતે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાને વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી, સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના પણ વ્યાજખોરોના ત્રાસ અંગેની ફરિયાદ નોંધાઈ ચુકી છે, જેમાં વ્યાજખોરોની ધરપકડ કરી લઇ તુરંત જ છોડી મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વ્યાજખોરો સામે કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી તેઓ બેખોફ બન્યા છે અને રોક-ટોક વિના વ્યાજની પ્રવૃત્તિ ચલાવીને પાંચ ટકાથી માંડીને જરૂરિયાત મુજબનું રાક્ષસી વ્યાજ વસૂલી લેતા હોય છે, જેની સામે જરૂરિયાત મંદ વ્યક્તિ અને તેના જમીનના ચેક લઇ અથવા તેની મકાન-જમીન સહિતની પ્રોપર્ટી પણ પોતાના નામે કરી લેતા હોય છે, અથવા વાહનો પણ કબ્જે કરી લેતા હોય છે.
રાજકોટમાં વ્યાજખોરીને કાબુમાં લેવા માટે પોલીસ કમિશનર દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે અને ભોગ બનનારના નામે ગુપ્ત રાખીને આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આવી ઝુંબેશ હાથ ધરવાની અને લોક દરબાર યોજી વ્યાજખોરોને ખુલ્લા પાડવા અને તેઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.