૪૫૦૦ અને ૬૦૦૦ના માસિક મહેનતાણાથી ખાનગી એજન્સી મારફત થઇ રહી છે મહેસુલી કચેરીઓમાં બિન તાલીમી કર્મચારીઓની ભરતી !




જામનગર મોર્નિંગ - ખંભાળીયા
ગુજરાત સરકાર રાજ્યને ડીજીટલ બનાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. રાજ્યના નાગરિકોના સરકારી કચેરીને લગત દસ્તાવેજી દરેક કામ ડીજીટલ માધ્યમથી ઓનલાઈન થાય. કામની કાર્યવાહીની જાણ અરજદારને તેમના મોબાઈલ ફોન મારફત થાય. ડીજીટલ ટેકનોલોજી પાછળ સરકાર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચ કરી રહ્યી છે.

ડીજીટલ ટેકનોલોજી અંતર્ગત રાજ્યની મહેસુલી કચેરીઓના કાર્યો જેવા કે જમીન વેચાણ દસ્તાવેજ, જમીનના હક્કપત્રકમાં ફેરફાર અંગેની નોંધો વિગેરે ઓનલાઈન થઇ રહ્યા છે. જેનાથી સમયસર અને ચોકસાઈ પૂર્વક કાર્યો થઇ શકે અને જમીની રેકર્ડ સાથે કોઈ ચેડા ના થાય તેવું ગુજરાત સરકાર માની રહી છે.

ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની મહેસુલી કચેરીઓમાં ઈ - ધરા શાખામાં બિન અનુભવી અને બિનતાલીમી સ્ટાફ જે ખાનગી એજન્સી મારફત ૪૫૦૦ અને ૬૦૦૦ જેવા માસિક મહેનતાણાથી ભરતી કરાઇ રહ્યો છે. જે સ્ટાફને કોઈપણ જાતની વિધિવત તાલીમ આપ્યા વિનાજ મહેસુલી રેકર્ડના કોમ્પ્યુટર પર અને મહેસુલી ટેબલની કામગીરીમાં જોડવામાં આવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના તાલુકા મથકમાં બિન તાલીમી કર્મચારીઓના કારણે મહેસુલી રેકર્ડ નિભાવતી ઈ-ધરા શાખામાં જમીન રેકર્ડમાં નોંધ નાખતી વેળાએ ભુલો રહી જવા પામે છે. તાજેતરના કિસ્સાની જ વાત કરીએ તો " દ્વારકાના તાલુકા મથક ભાણવડ ઈ-ધરા શાખામાં જમીનમાં વારસાઈ નોંધ નાખતી વેળાએ એકજ વ્યક્તિના નામ બે વખત દાખલ કરી દીધા, બીજા કિસ્સામાં જમીનમાં હક્કકમી જેટલા વ્યક્તિના કરવા માટે અરજદારે અરજી કરી હતી એનાથી વધારેના કરવા માટેની નોંધ દાખલ કરી નાખી"  જે કર્મચારીઓની રહી ગયેલ ભુલો સુધારવા માટે અરજદારોએ મહિનાઓ નહી પણ વર્ષો સુધી કચેરીઓના ચક્કર કાપવા પડી રહ્યા છે.

ત્યારે લોકોમાં માંગ ઉઠી છે કે મહેસુલી જેવી અતિજવાબદારી ભરી શાખામાં કુશળ અને તાલીમ પામેલ કર્મચારીઓની ભરતી કરવામાં આવે અથવા તો કામ કરતા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવે ત્યારબાદ મહેસુલી કાર્યોની જવાબદારી સોંપવામાં આવવી જોઈએ.

- ભરત હુણ
તીરછી નજર(કોલમ)