અનઅધિકૃત ચાલતી ખાણની તસ્વીર




જામનગર મોર્નિંગ - દ્વારકા તા.૦૩, દેવભૂમિ દ્વારકા જીલ્લો કુદરતી સંપત્તિઓ અને ખનીજથી ભરપુર વિસ્તાર છે. અહી લાઈમસ્ટોન, દરિયાઈ રેતી, બોક્સાઈટ, માટીની વિપુલ પ્રમાણમાં ચોરીઓ થાય છે. ખનીજચોરી બંધ કરાવવા માટેની સરકારી તંત્રની લાખ કોશિશ સામે જાણે ખનીજ માફિયાઓ હાથ - તાલી ખેલ રમતા હોય એમ ખનીજ ચોરીનું સ્કેન્ડલ ચાલે છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ખંભાળીયામાં થતી ખનીજચોરી અટકાવવા માટે ખાણ ખનીજ અને પોલીસ વિભાગે અનેક નવી ચેકપોસ્ટો ઉભી કરી છે. છતાયે સરકારી તંત્રને હાથ - તાળીનો દાવ આપીને ખનીજ માફિયાઓ લાખો અને કરોડોની ખનીજ ચોરી કરીને અંધારામાં ઓગળી જતા હોય એમ તંત્રના હાથ લાગતા નથી.

ભાણવડમાં બિલ્ડીંગ સ્ટોન (બેલા)ની ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ ખાણ ખનીજ વિભાગે આકસ્મિક દરોડા પાડીને ટુકા સમયમાં જ કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડી પાડીને પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરી છે.

ત્યારે ફરી વખત ગઈ કાલે રવિવારે, ભૂસ્તરશાસ્ત્રી, પ્રાંત અધિકારી અને મામલતદાર ભાણવડની સંયુક્ત ટીમે વહેલી સવારે ૫ વાગ્યાથી ભાણવડના પાછતરમાં ફોરેસ્ટના ઇકો ઝોન અને સરકારી ખરાબામાં બિન અધિકૃત રીતે ચાલતી બેલાની ખાણમાં દરોડા પાડીને આ કામગીરીમાં સંડોવાયેલા ૦૪ બેલા કાપવાની ચકરડીઓ મશીન, ૦૨ ઇલેક્ટ્રિક જનરેટર અને ૦૩ ટ્રેક્ટર પકડી પાડ્યા હતા. ખનીજચોરી થયેલ વિસ્તારનું સર્વે કરતા ૬૫૦૦ મેટ્રીકટન જેટલા ખનીજનું ગેરકાયદે વહન કર્યું હોવાનું સામે આવ્યું હતું. જે ખનીજચોરી દંડની રકમ રૂપિયા ૩૨ લાખ અને ચકરડી, ટ્રેક્ટર, જનરેટરની કિમંત ૧૨ લાખ ગણીને તે મુદામાલ સીઝ કરવામાં આવ્યો. અનઅધિકૃત ચાલતી ખાણમાંથી પકડાયેલ ૦૪ ચકરડી,૦૩ ટ્રેક્ટર અને ૦૨ જનરેટરને ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરવામાં આવ્યા.

દેવભૂમિ દ્વારકામાં ચાલતા ખાણ ખનીજના અનઅધિકૃત ધંધામાં ખનીજ માફિયાઓ પર આકસ્મિક દરોડા પાડીને કરોડો રૂપિયાના દંડ ફટકારી દંડની રકમ ખનીજ માફિયાઓ પાસેથી વસુલ કરવામાં ખાણ ખનીજ વિભાગ સફળ રહેશે તો આગામી સમયમાં આ બેનંબરી ધંધામાં સંપૂર્ણ બ્રેક લાગી શકે તે વાતને નકારી શકાય નહી.