ખેડુતોને વીઘો નહી અને કંપનીઓને હજારો વીઘા જમીન આપવામાં મોખરે રહી સરકાર !      જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૧૫/૦૭/૨૦૧૯ , જામનગર જીલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લો અલગ થયાને ૫ વર્ષ થઈને ૬મુ વર્ષ ચાલુ છે. આ પાંચ વર્ષના સમયગાળામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના, ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકામાં ૩૨૦૦ વીઘા જેટલી જમીન વિન્ડફાર્મ કંપનીઓને ઉર્જા ઉત્પન્ન કરવા માટે તદન નજીવા દરે કલેકટર દેવભૂમિ દ્વારકાએ ૨૦ વર્ષના ભાડે પટ્ટેથી જમીનઓ ફાળવી આપી છે.

વિગતે વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જામનગર બાજુના ભાગે એસ્સાર હાલની નયારા એનર્જી અને ઓખા બાજુ દરિયા કાઠે તાતા કેમિકલ લી.અને ખંભાળીયા ખાતે બોમ્બે મિનરલને બાદ કરતા કોઈ મોટી કંપનીઓ કે નાના મોટા ઔદ્યોગિક ગૃહ પણ દ્વારકા જીલ્લામાં આવેલ નથી. દ્વારકા જીલ્લાના લોકોની રોજગારી મોટા ભાગે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે.

દ્વારકા જીલ્લાના ખેતમજુરી કરતા ખેડૂતો જયારે ખેતીકામ કરવા માટે સરકારી પડતર, સરકારી ખરાબાની જગ્યાઓ કાયમી હક્કથી અથવા ભાડેપટ્ટેથી સરકાર,કલેકટર પાસે માંગણી કરે છે ત્યારે વહીવટી તંત્ર સ્પષ્ટ શબ્દોમાં ખેડુતોને ના પાડીને કહે છે કે ખેતી માટે સરકારી પડતર જમીન ફાળવી શકાય નહી. અને જયારે કંપનીઓ વિન્ડફાર્મ કે અન્ય ઔદ્યોગિક હેતુઓ માટે જમીનની માંગણી કરે છે ત્યારે તદન નજીવા દરે કાયમી હક્કથી અને ભાડે પટ્ટે પણ તંત્ર દ્વારા જમીનો ફાળવી દેવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકામાં વર્ષ – ૨૦૧૪થી ૨૦૧૮ દરમ્યાન કલેકટરશ્રી દ્વારા ૫૦૦ હેક્ટર(૩૨૦૦ વીઘા)થી વધારે જમીન વાર્ષિક ૧ રૂપિયા ૧ મીટરના ભાડેથી ૨૦ વર્ષના ભાડેથી ફાળવી આપી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડુતોને અને પશુપાલન સાથે સંકળાયેલ લોકોનું માનવું છે કે સરકાર ગામના સીમાડા અને ગૌચરો કંપનીઓને વિપુલ પ્રમાણમાં ફાળવી રહી છે તે જોતા લાગે છે કે એક સમય એવો આવશે કે ગામમાં પશુપાલનને નિભાવવા માટે વીઘો જમીન પણ નહી રહે. ગામના સીમાડા અને ગૌચર પણ ખુટી પડતા માલધારીઓ અને ખેડૂતોની હાલત પણ કફોડી બની જશે અને મોટા પ્રમાણમાં પશુપાલકોએ હિજરત કરવા મજબુર બનવું પડશે.

- ભરત હુણ, તીરછી નજર(કોલમ)