મોરબીમાં પાર્ટીપ્લોટ પાસે દીવાલ પડતાં ત્રણ બાળક સહિત આઠનાં મૃત્યુ
 ૧૦ ગાયોનાં પણ દબાઈ જવાથી મોત: દીવાલ પાસે બાંધેલા ઝૂંપડામાં રહેતા મજૂર પરિવારો પર આફત: વરસાદમાં દીવાલ પડીને ઝૂંપડામાં રહેલા પરિવારો દબાયાં  
મોરબીમાં પડી ગયેલી દીવાલ
જામનગર મૉર્નિંગ - મોરબી 
મોરબી પંથકમાં સાર્વત્રિક વરસાદી મહેર વચ્ચે એક દુર્ઘટના સર્જાઈ છે. મોરબીમાં કામધેનુ પાર્ટીપ્લોટ પાસે દીવાલ પડતાં ત્રણ બાળકો સહિત આઠ લોકોનાં મોત નિપજ્યા છે. આ મૃતકો મૂળ મધ્યપ્રદેશના અને મજૂરી અર્થે મોરબી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું છે. વળી, તમા મૃતકો ૩૦ વર્ષની નીચેના હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણકારી મળતાં કલેક્ટર, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. દરમિયાન મોરબીમાં આરટીઓ પાસે એક દિવાલ પડતાં દબાઈ જવાથી ૧૦ ગાયોના પણ મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 
મળતી માહિતી મુજબ, કામધેનુ પાર્ટીપ્લોટ પાસે એક દીવાલ પાસે ઝૂંપડાઓ બાંધેલા છે, તેમાં મજૂર પરિવારો વસે છે. વરસાદ વચ્ચે આ દીવાલ ઝુંપડાઓ પર ઢળી પડી હતી. જેના કારણે અંદર રહેલા મજૂર પરિવારો આ દીવાલ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં કલેકટર માંકડિયા, એસપી કરણરાજ સ્થળ ઉપર દોડી ગયા અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. મોરબીના એડી. કલેકટર કેતનભાઇ જોષીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા છે. આ સ્થળની બાજુમાં દિવાલના ટેકે ઝુપડાઓમાં મજૂર પરિવારો રહેતા હતા. તેની ઉપર દિવાલ તૂટી પડતા મજૂરો દટાયા હતા. જેમાંથી નવને હોસ્પિટલે ખસેડાતાં, આઠના કરૂણ મોત નિપજ્યા છે.  આ દરમિયાન દીવાલ પડતાં મોતની બીજી ઘટના સામે આવી છે. જેમાં આરટીઓ પાસે એક દીવાલ પડતાં ૧૦ જેટલી ગાયોના દબાઈ જવાથી મોત થયા હતા. 

કોના કોના થયાં મોત? 

૧. કાળીબેન બલુભાઈ (ઉ. ૧૮, મધ્યપ્રદેશ) 
૨. કવિલા બિદેશ ડામોર (ઉ. ૧૯, એમ.પી.) 
૩. આશા પૂનમ આંબલિયા (ઉ. ૧૫, એમ.પી.)
૪. બિદેશભાઈ મિલીભુડા (ઉ.૨૦, એમ.પી.)
૫. કસ્માબેન સેતુભાઈ (ઉ.૩૦, એમ.પી.) 
૬. લલિતાબેન ચંદુભાઈ (ઉ.૧૬, એમ.પી.) 
૭. અકલેશભાઈ સોનુભાઈ (ઉ. ૧૪, એમ.પી.) 
૮. તેજલબેન સોનુભાઈ (ઉ.૧૩, એમ.પી.)