મોર્નિંગ - પોરબંદર 
પોરબંદર જીલ્લામાં ઠેર ઠેર 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે પોરબંદરના 2 યુવાનોએ આર્મીના જવાનો માટે પોરબંદરથી અમદાવાદ અને અમદાવાદથી પોરબંદર હવાઇ મુસાફરી વિના મૂલ્યે કરી ને માતૃભૂમિનું ઋણ અદા કર્યુ છે. 
ભારતના લોકોના હ્દયમાં જવાનો માટે વિશેષ સ્થાન રહયું છે. આર્મીના જવાનોને જોઇને જ દેશભાવના જાગી જતી હોય છે, ત્યારે પોરબંદરના ફાલ્કન ટૂરિઝમના હાર્દિક થાનકી અને રામ ઓડેદરાએ અનોખો દેશપ્રેમ 15મી ઓગષ્ટના રોજ પ્રગટ કર્યો છે. પોરબંદરમાં રહેતાં આર્મીના જવાનો કે જે દેશ માટે ફરજ બજાવે છે અને નિવૃત આર્મી જવાનો માટે પોરબંદર થી અમદાવાદ અને અમદાવાદ થી પોરબંદર ની હવાઇ મુસાફરીની ટીકીટ વિના મૂલ્યે આજીવન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી પોરબંદરના નિવૃત અને ચાલુ ફરજ બજાવનાર આર્મીના જવાનોને વિના મૂલ્યે અમદાવાદ સુધીની હવાઇ મુસાફરીનો લાભ મળશે. આ અંગે બન્ને યુવાનોએ એવું જણાવ્યુ હતું કે આર્મીના જવાનો દેશની સરહદ પર ભારતીયોની રક્ષા કરે છે. આર્મી જવાનોને કારણે જ આપણે સૌ નિરાંતે સૂઇ શકીએ છીએ. જેથી તેઓની સેવા કરવી તે આપણી ફરજ છે અને ફાલ્કન ટૂરીઝમ દ્રારા પોરબંદરના દરેક આર્મી જવાનોને અમદાવાદ સુધીની હવાઇ યાત્રા વિના મૂલ્યે આજીવન કરી આપીને માતૃભૂમિનું ઋણ અદા કર્યુ છે.
સામાન્ય રીતે પોરબંદર થી અમદાવાદ અને અમદાવાદ થી પોરબંદર હવાઇ મુસાફરીની ટીકીટ એડવાન્સ બૂકિંગ કરાવીએ તો 1500 થી 1700 રૂપિયાનો ખર્ચ થાય છે, જયારે તાત્કાલિક બૂકિંગમાં 2300 થી 2400 સુધીનો ટીકીટ ખર્ચ થાય છે. જેનો લાભ પોરબંદરના આર્મીના જવાનોને થશે.