જામનગર તા. ૬ઃ જામનગર શહેર તથા જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એમ સમગ્ર હાલારમાં ગઈકાલે મેઘકૃપા વરસી હતી અને સાર્વત્રિક બે થી પાંચ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો.
જામનગર શહેર
જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગઈકાલે  સાંજે વરસાદ તૂટી પડ્યો હતો અને બે એક કલાક દરમિયાન પડેલા હળવા-ભારે વરસાદમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતાં. શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં પણ પાણીની વિપુલ આવક થતાં આ તળાવના પાછલા તળાવ સહિતના ચારેય ભાગમાં પાણી ભરાઈ જતાં પાણીથી હર્યુંભર્યું તળાવ મનમોહક દૃશ્ય સર્જી રહ્યું છે.
જામનગર તાલુકો
જામનગર તાલુકામાં સૌથી વધુ વરસાદ ફલ્લામાં નોંધાયો હતો. ફલ્લાથી અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ આખા દિવસ દરમિયાન પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો અને કંકાવટી ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો હતો.આ ઉપરાંત જામનગર તાલુકામાં વસઈ, લાખાબાવળમાં એક ઈંચ, મોટી બાણુંગારમાં ચાર ઈંચ, જામવંથલીમાં અઢી ઈંચ, અલિયાબાડામાં અઢી ઈંચ, દરેડમાં સાડાત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.
જોડિયા તાલુકો
જોડિયા તાલુકામાં હડિયાણામાં દોઢ ઈંચ, બાલંભામાં બે ઈંચ, પીઠડમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે ધ્રોળ તાલુકામાં લતીપરમાં ચાર ઈંચ, જાલિયાદેવાણીમાં અઢી ઈંચ, લૈયારામાં સાડાત્રણ ઈંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે.
કાલાવડ તાલુકો
કાલાવડ તાલુકામાં મોટા પાંચ દેવડા તથા મોટા વડાળામાં અઢી ઈંચ, નવાનગરમાં દોઢ ઈંચ, નિકાવા, ખરેડી, ભલસાણ બેરાજામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.
જામજોધપુર તાલુકો
જામજોધપુર તાલુકામાં બે થી ચાર ઈંચ જેવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જેમાં સમાણામાં અઢી, શેઠવડાળામાં ત્રણ, જામવાડીમાં ચાર, વાંસજાળિયામાં સાડાત્રણ, ધુનડામાં ત્રણ, ધ્રાફામાં ચાર, પરડવામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.
લાલપુર તાલુકો
લાલપુર તાલુકાના પીપરટોડામાં બે ઈંચ તથા પડાણા, ભણગોર, મોટા ખડબા, મોડપરમાં એક ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. ડબાસંગમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લોઃ ભાણવડ તાલુકામાં બે થી પાંચ ઈંચ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રાણપરમાં સાડાપાંચ ઈંચ, પાછતરમાં ૩ ઈંચ, ભાણવડ શહેરમાં બે ઈંચ વરસાદ પડ્યો હોવાનું ભાણવડના પ્રતિનિધિના સંદેશામાં જણાવાયું છે. ભાણવડ તાલુકાના વેરાડી-૧, કબરકા અને વાનાવડ સિંચાઈ યોજનાના ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આ ત્રણેય ડેમ આસપાસના નિચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ભાણવડમાં લાંબા વિરામ પછી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
દ્વારકામાં અડધો ઈંચ
દ્વારકામાં ગઈકાલે નહીંવત્ વરસાદ નોંધાયો હતો. દ્વારકા તાલુકામાં ૧પ મી.મી., ખંભાળિયા તાલુકામાં ૩ર મી.મી. વરસાદ પડ્યો હતો.
ખંભાળિયાઃ ર૪ ઈંચ વરસાદ છતાં ડેમ ખાલી
ખંભાળિયા તાલુકામાં આ સીઝનમાં ર૪ ઈંચ જેવો વરસાદ પડ્યો હોવા છતાં ઘી ડેમ, સિંહણ ડેમ હજી ઓવરફ્લો થયા નથી, અડધા ખાલી છે.