ગણેશ સ્થાપન થકી જનસામાન્યમાં દેશની એકતા પ્રસ્થાપિત થાય છે : સ્વચ્છતા અભિયાન થકી જ વિશ્વભરમાં દેશની છબી ઉજળી કરી શકાશે : પ્લાસ્ટિક-મુકત ભારતના નિર્માણ માટે સજજ થવા આહવાન : રાજયના ૧૦૦ ટકા ઘરોમાં ‘‘નલસે જલ’’ પહોંચાડવા રાજય સરકાર કટિબધ્ધ : જામનગર શહેરના શ્રેષ્‍ઠ ગણપતિ તથા જૈન શ્રેષ્‍ઠીઓનું મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સન્‍માનઃ ૫૦ હજાર કાગળની થેલીનું પણ વિતરણ
જામનગર મોર્નિંગ - જામનગર 
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જામનગર ખાતે જણાવ્યું કે દેશના ઘરેઘરમાં કરાતા ગણેશ સ્થાપન થકી જનસામાન્યમાં દેશની એકતા પ્રસ્થાપિત થાય છે.
જામનગર ખાતે આયોજિત ગણેશ સ્પર્ધા વિજેતા સન્માન સમારંભની આયોજક સંસ્થાને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપતા અખંડ રાષ્ટ્રવાદની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાનશ્રી મોદી દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ૩૭૦મી કલમ થકી કાશ્મીર અખંડ ભારતનું અવિભાજય અંગ બની શકશે, એવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ પર્યાવરણના સંરક્ષણ માટે પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા પર ભાર મુકયો હતો અને પ્લાસ્ટિક-મુકત ભારતના નિર્માણ માટે સજજ થવા ઉપસ્થિતોને આહવાન કર્યું હતું.
સ્વચ્છતા અભિયાન થકી જ વિશ્વભરમાં દેશની છબી ઉજળી કરી શકાશે, એવો આશાવાદ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સ્વશિસ્તથી સ્વચ્છતાનું અનુસરણ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
તાજેતરના ભારે વરસાદથી નિર્માણ થયેલ પાણી ઉપલબ્ધિની પરિસ્થિતિ પ્રત્યે પરમાત્માનો ઋણ સ્વીકાર કરતાં આ કુદરતી પાણીના ટીપેટીપાંનો કરકસરયુકત વપરાશ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાના ૧૦૦ ટકા ઘરોમાં ‘‘ નલ સે જલ’’ પહોંચાડવાની રાજય સરકારની કટિબધ્ધતા પણ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રાજયના સંતુલિત વિકાસ માટે કલીન ‘‘ગુજરાત- ગ્રીન ગુજરાત’’ની વિભાવના પર વિશેષ પ્રકાશ પાડયો હતો અને પાણીને પારસમણિ સમજી તેનો વિવેકપુર્ણ ઉપયોગ કરવા ઉપસ્થિતોને આગ્રહપુર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયને ‘‘મોડેલ સ્ટેટ’’ બનાવવા માટે જળ સંચય, પ્લાસ્ટિકની વસ્તુઓનો ત્યાગ, સ્વચ્છતા અનુસરણ વગેરેનું મહત્વ સમજાવ્યું હતું અને આ અભિયાનમાં જનસમુહના સહયોગની આકાંક્ષા ઉચ્ચારી હતી.
જામનગરની જનતાને વધુ પાણી વિતરણ માટે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ખાત્રી ઉચ્ચારી હતી અને આજે કરેલા ૭૪ કરોડના લોકાર્પણો લોકવિકાસમાં સિમાચિહનરૂપ સાબિત થશે એવો સુર વ્યકત કર્યો હતો. 
સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના ‘‘અમૃત’’ મિશન તથા ૧૪માં નાણાંપંચની ગ્રાંટ અન્‍વયે કુલ રૂા.૭૪ કરોડના વિકાસકામોનું મુખ્‍યમંત્રીશ્રીએ તકતી અનાવરણ કર્યું હતું. જેમાં લાલપુર રોડ ખાતે ફિલ્‍ટરેશન પ્‍લાન્‍ટનું ખાતમુહૂર્ત, ભુગર્ભ ગટરના કામોનું ખાતમુહૂર્ત, મહાનગરપાલિકામાં બે માળના સુવિધાસભર ફાયર ટર્મીનલનું લોકાર્પણ, દિગ્‍જામ સર્કલ પાસે રેલ્‍વે ઓવરબ્રીજનું ખાત મુહૂર્ત તથા ઢીંચડી ખાતેની પાણી પુરવઠા યોજનાના લોકાર્પણનો સમાવેશ થાય છે.
મુખ્‍યમંત્રીશ્રી રૂપાણી તથા આમંત્રિતોના હસ્‍તે દિપપ્રાગટયવિધિ સંપન્‍ન થઇ હતી. જામનગર શહેરમાં સ્‍થાપાયેલા ૩૦૭ જાહેર ગણેશ પંડાલ પૈકી ૧૨ શ્રેષ્‍ઠ ગણેશજીને મુખ્‍યમંત્રીશ્રીએ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્‍કાર આપી સન્‍માન કર્યું હતું. માસખમણ કરનાર જામનગર શહેરના જૈન શ્રેષ્‍ઠીઓનું પણ મુખ્‍યમંત્રીશ્રીએ બહુમાન કર્યું હતું. 

મુખ્‍યમંત્રીશ્રીએ પ્‍લાસ્‍ટીકનો વપરાશ ન કરવા અંગે ઉપસ્‍થિતોને શપથ લેવડાવ્‍યા હતા. આ પ્રસંગે ૫૦ હજાર કાગળની થેલીનું વિતરણ કરાયું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ રોજગારલક્ષી મોબાઇલ એપનું પણ લોન્‍ચીંગ કર્યું હતું.
શ્રી ભાગ્‍યલક્ષ્‍મી એજયુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા યોજાયેલ શ્રી ગણપતિ મહોત્‍સવ સ્‍પર્ધા પુરસ્‍કાર સમારોહ-૨૦૧૯ના કાર્યક્રમમાં પુર્વ મેયરશ્રી ધર્મેન્‍દ્રસિંહ ઝાલાએ સ્‍વાગત પ્રવચન  કર્યું હતું. અન્‍ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીને હાલારી પાઘડી તથા તલવારથી સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.         
આ પ્રસંગે ગુજરાતના અન્‍ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ ભાગ્‍યલક્ષ્‍મી ટ્રસ્‍ટ વતી લોકોને આવકારી ગણેશ મહોત્‍સવ સ્‍પર્ધાના કાર્યક્રમ સાથે ધર્મની આવશ્‍યકતા અને સમાજમાં ધર્મ દ્વારા લોકોને જોડવાની ભાવના વ્‍યકત કરી હતી.
આ તકે ધારાસભ્‍યશ્રી રાઘવજીભાઇ પટેલે ભાગ્‍યલક્ષ્‍મી એઝયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટની પ્રવૃતિઓ વિશે જણાવ્‍યું હતું. તેમજ રાજયમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાની આ ટ્રસ્‍ટ મારફત થતી  કામગીરીને બીરદાવી હતી.
આ કાર્યક્રમમાં મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના અધ્‍યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્‍યશ્રી રાઘવજીભાઇ પટેલ, મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, ડેપ્‍યુટી મેયરશ્રી કરશનભાઇ કરમુર, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, સ્‍ટેન્‍ડીગ કમિટીના ચેરમેનશ્રી સુભાષભાઇ જોશી,  જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિન્‍ડોચા, પુર્વ મંત્રી સર્વશ્રી વસુબેન ત્રિવેદી અને શ્રી ચિમનભાઇ સાપરિયા, રીલાયન્‍સ ગૃપના શ્રી ધનરાજ નથવાણી, કલેકટરશ્રી રવિશંકર, મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી સતિષ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાની, પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, અગ્રણીશ્રી જીતુભાઇ લાલ, શ્રી અલ્‍તાફભાઇ ખફી, શ્રી દિવ્‍યેશભાઇ અકબરી તથા મોટી સંખ્યામાં શહેરીજનો  ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનુ  સંચાલન બિમલભાઈ ઓઝા, પ્રવિણસિંહ જાડેજા અને લલીતભાઈ જોષીએ કર્યુ હતું.       



વિકાસ તરફ જામનગરની હરણફાળ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું : ગુણવત્તાલક્ષી આંતરમાળખાકીય સુવિધાઓને વધારી પ્રજાલક્ષી હિતકાર્યોના ધ્યેય તરફ અગ્રેસર જામનગર

રાજ્યના આંતરમાળખાકીય વિકાસ અને ગ્રામીણ તથા શહેરી પ્રદેશોનો સમાન વિકાસ કરવા રાજ્ય સરકાર સતત વિકાસ માટેનાં હરણફાળસમા પગલાં ભરી રહી છે. ત્યારે જામનગર ખાતે આજરોજ મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી.,અમૃત મિશન તથા ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ આધારિત અંદાજીત રૂ.૭૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
 જેમાં દિગ્જામ માર્ગ રેલવે ફાટક પાસે વર્ષોથી થતા ટ્રાફિકના પ્રશ્નને નિવારવા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની આવશ્યકતાને પરિપૂર્ણ કરવા તેમજ શહેરના નવા વિકસેલા વિસ્તારોમાં પણ આંતરમાળખાકીય સુવિધાઓ વધે અને પાણી જેવા મુળભુત પ્રશ્નનો હલ થાય તે હેતુથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દિગ્જામ સર્કલ પાસે રેલવે બ્રિજનું ખાતમુહૂર્ત તથા વુલન મિલ-ઢીંચડા ખાતેના પાણી પુરવઠાના  પંપહાઉસ, પાણીની ટાંકી, સંપનું લોકાર્પણ અને તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના(એસ.જે.એમ.એમ.એસ.વી.વાય.) અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જી.યુ,ડી.સી.) અંતર્ગત રૂ.૩૧.૫૯ કરોડના ખર્ચે તૈયાર થનાર અને ૫૯૧ મીટર લંબાઇ તેમજ ૭.૫૦ મીટર પહોળાઈ ધરાવતા ટુ-લેન બ્રીજ થકી જામનગરના અંદાજિત ૨ લાખ  લોકોને ટ્રાફિક જામની સ્થિતિમાંથી મુક્તિ મળશે. તો સાથે જ ઢીંચડા ખાતેના અમૃત મિશન યોજના હેઠળ રૂ.૬.૨૮ કરોડમાં તૈયાર થનાર પંપહાઉસ ૧૮ લાખ લિટર પાણી સંગ્રહની ક્ષમતા ધરાવે છે તેમજ ૨૧ લાખ લિટરની ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ સંપ હોવાથી આ યોજના દ્વારા વુલનમીલ તથા તેની આસપાસના નવા વિકસિત વિસ્તારોના અંદાજિત ૩૦ હજાર લોકોને ફિલ્ટરયુક્ત પાણી વિતરિત કરી શકાશે. આ વિસ્તાર દરિયાની નજીક હોવાથી ત્યાંનું ભુગર્ભ જળ  પણ હાઈ-ટર્બીડીટી  ધરાવે છે ત્યારે ત્યાં ફિલ્ટરયુક્ત પાણીથી લોકોના આરોગ્યમાં સુધારો થશે અને આશરે ૪૫ જેટલાં ટેન્કરોના ફેરા બંધ થઇ લોકોને ઘર-ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડી શકાશે.
 આંતરમાળખાકીય સુવિધાઓને વિકસાવી લોકોની સુખાકારીમાં અભિવૃધ્ધિ થાય તે ધ્યેયને લક્ષ્યમાં રાખી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દરેક ક્ષેત્ર, છેવાડાના માનવીનાં વિકાસ માટેની આવશ્યકતાઓને ધ્યાને સતત લઇ કાર્યરત છે. જામનગરની જનતાને વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી દ્વારા તકતી અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના અધ્‍યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્‍યશ્રી રાઘવજીભાઇ પટેલ, મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, ડેપ્‍યુટી મેયરશ્રી કરશનભાઇ કરમુર, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, સ્‍ટેન્‍ડીગ કમિટીના ચેરમેનશ્રી સુભાષભાઇ જોશી,  જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિન્‍ડોચા, પુર્વ મંત્રી સર્વશ્રી વસુબેન ત્રિવેદી અને શ્રી ચિમનભાઇ સાપરિયા, રીલાયન્‍સ ગૃપના શ્રી ધનરાજ નથવાણી, કલેકટરશ્રી રવિશંકર, મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી સતિષ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાની, પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, અગ્રણીશ્રી જીતુભાઇ લાલ, શ્રી અલ્‍તાફભાઇ ખફી, શ્રી દિવ્‍યેશભાઇ અકબરી તથા મોટી સંખ્યામાં શહેરીજનો  ઉપસ્થિત રહયા હતા.