જામનગર મોર્નિંગ - જામનગર તા. ૬ઃ લાલપુરના સણોસરી ગામમાં બુધવારે સાંજે પોતાના બે સંતાન અને ભાઈની દીકરીને વરસતા વરસાદે શાળાએથી લઈને બાઈકમાં ઘર તરફ જતા એક યુવાનને પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈકે દગો આપતા ભત્રીજી પુરમાં તણાઈ ગઈ હતી. આ બાળકીનો ગઈકાલે મૃતદેહ મળ્યો છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા પ્રવિણભાઈ રામસીભાઈ બરાઈ ઉર્ફે પાલાભાઈ (ઉ.વ. ૨૮) નામના યુવાન બુધવારે સાંજે પુરજોશથી વરસી રહેલા વરસાદ વચ્ચે શાળાએ ગયેલા પોતાના પુત્ર પાર્થ, પુત્રી મહેક અને નાનાભાઈ કરશનભાઈની પુત્રી નીધિ (ઉ.વ. ૧૦)ને શાળાએથી ઘેર લઈ જવા માટે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા.
ત્રણેય બાળકોને શાળાએથી લઈ મોટરસાયકલમાં બેસાડી પ્રવિણભાઈ ઘર તરફ જ્યારે રવાના થયા ત્યારે માર્ગમાં આવતા સણોસરી નદીના પુલ પરથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જતો જોવા મળ્યો હતો. તે પ્રવાહમાંથી નીકળી જવા માટે પ્રવિણભાઈએ ત્રણેય બાળકો સાથેનું બાઈક વહેણમાં ચલાવવાનું શરૃ કર્યું હતું.
બરાબર પુલની વચ્ચોવચ્ચ પહોંચેલા બાઈકે દગો દીધો હતો. બંધ પડી ગયેલા બાઈકને સંભાળવાની સાથે ત્રણેય બાળકોને સામાકાંઠા સુધી લઈ જવાનો પ્રવિણભાઈએ પ્રયાસ શરૃ કર્યો હતો પરંતુ ત્યારે જ પાણીનો જોશભેર પ્રવાહ પાલાભાઈ, મહેક, પાર્થ તથા નીધિ તણાવા લાગ્યા હતાં. જેમાં વલખા મારી રહેલા પાલાભાઈ બંને હાથે પાર્થ તથા મહેકને પકડી લીધા હતાં જ્યારે મોટાબાપુના હાથથી દૂર સરી ગયેલી નીધિ પ્રવાહની સાથે તણાઈને પુલ નીચે જઈ ગુમ થઈ ગઈ હતી. આ બનાવની અન્ય ગ્રામજનોને જાણ થયા પછી તે બાળકીને શોધવા માટે જામનગર ફાયર બ્રિગેડે રેસ્ક્યુ શરૃ કર્યુ હતું. જેમાં ગઈકાલે આ બાળકીનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો છે.
ઉપરોક્ત બનાવ અંગે લાલપુર પોલીસે પ્રવિણભાઈ ઉર્ફે પાલાભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.