જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.29 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા,ભાણવડ અને કલ્યાણપુરમાં તા. 28 અને 29ના ભારે વરસાદના પગલે જીલ્લાના ખંભાળીયા,ભાણવડ અને કલ્યાણપુરની તમામ ખાનગી અને સરકારી શાળા/કોલેજમાં આવતી કાલે સોમવારે જાહેર રજા રાખવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા. 28 અને 29 દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જીલ્લાના મોટા ભાગના વિસ્તારમાં કાલે રાત્રીથી સતત વરસાદ વરસી રહ્યો છે. અને હજી આવતી કાલે પણ અતિભારે વરસાદ પડવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. અતિભારે વરસાદના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ નહીં માટે કલેક્ટરશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા આવતી કાલે સોમવાર તા.30/09/2019ના રોજ દ્વારકા જીલ્લાના ખંભાળીયા,ભાણવડ અને કલ્યાણપુર તાલુકાની સરકારી/ખાનગી તમામ શાળા અને કોલેજમાં જાહેર રજા રાખવા માટે પરિપત્ર બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે.