જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા. ૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ પર આજે સવારે આભ ફાટ્યું હોય તેમ મેઘરાજાએ અતિ રૌદ્ર સ્વરૃપના દર્શન કરાવ્યા હતાં અને સવારે ૭ વાગ્યે કાળા ડીબાંગ વાદળો સાથે ગામ પર મુશળધાર વરસાદ શરૃ થયો હતો. આ અનરાધાર વરસાદની તિવ્રતા એટલી હતી કે માત્ર દોઢ કલાકમાં ગામમાં દસ ઈંચ જેવો વરસાદ ખાબકતા આખું ગામ પાણી પાણી થઈ ગયું હતું.
ગામમાં છેલ્લા વીસ વરસમાં આવો એકધારો અનરાધાર વરસાદ પડ્યો નથી. પાંચ-સાત ફૂટ દૂરનું દૃશ્ય દેખાય નહીં તેવા વરસાદના કારણે ગામમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી.
ગામમાં નદીના પૂરના પાણી તથા વરસાદના પાણી દુકાનોમાં, લોકોના ઘરમાં ઘૂસી ગયા હતાં. પાણીના તેજ પ્રવાહમાં ગામના લગભગ તમામ મોટરસાયકલ, ટુ-વ્હીલરનો, મોટરકાર, બળદ ગાડા, પશુઓ પાણીમાં ગરક થઈને તણાવા લાગ્યા હતાં. ખેતરોમાં સોમેર પાણી ફરી વળતા ખેતરો મીની તળાવ બની ગયા હતાં. મોટા આસોટા ગામ આખું પાણી પાણી થઈ જતાં સંપર્ક વિહોણું બની ગયું હતું.
મોટા આસોટામાં પડેલા અંધાધૂંધ દસ ઈંચ વરસાદના કારણે સદ્નસીબે આ લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા નથી, જો કે ગામલોકોના વાહનો, ગાડા, ઘરવખરી વગેરેને ભારે નુક્સાન થયું  હોવાનો અંદાજ છે.
પશુધન તણાયું
મોટા આસોટા ગામમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાતા પાણીના તેજ પ્રવાહમાં ગાય, ભેંસ, બળદ સહિતના અંદાજે પચ્ચાસ જેટલા ઢોર તણાય ગયા હોવાનું સરપંચ નેભાભાઈ ચાવડાએ જણાવ્યું હતું.
કાર તણાઈને ખેતરમાં
ઘરની બહાર રાખેલા બાઈક, મોટરકાર વગેરે તણાઈ ગયા હતાં. બે મોટરકાર તથા ચાર મોટરસાયકલ તણાઈને ખેતરોમાં પહોંચી ગઈ હતી.
મગફળીનો પાક રસ્તા પર!
જૂન-જુલાઈ મહિનામાં વાવેતર કરેલી મગફળીનો પાક પ૦ ટકા જેવો તૈયાર થઈ ગયો હતો તે પૂરમાં તણાઈને રસ્તા પર આવી જતાં અનેક ખેડૂતોને પારાવાર આર્થિક નુક્સાન થયું છે.
નાયબ કલેક્ટર ટીમ સાથે મોટા આસોટા પહોંચ્યા
મોટા આસોટામાં વરસાદના કહેરના સમાચાર મળતા જિલ્લા કલેક્ટર ડો. મીનાએ તાત્કાલિક પગલાં લેવાના શરૃ કર્યા છે. નાયબ કલેક્ટર પાર્થ કોટડિયાની આગેવાની  હેઠળની કલ્યાણપુરની સમગ્ર ટીમને મોટા આસોટા મોકલવામાં આવી છે. નુક્સાન, પાણીની સ્થિતિ, ગ્રામજનોની સ્થિતિ, પાણીના નિકાલની વ્યવસ્થા વગેરે અંગે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. કલ્યાણપુરના ટીડીઓ તથા મામલતદાર પણ આ કામગીરીમાં જોડાયા છે.
મકાનોના વંડા, દીવાલો ધરાશાયી
મોટા આસોટા ગામમાં અતિભારે વરસાદના કારણે  પચ્ચાસ જેટલા આસામીઓના મકાનના વંડા તથા દીવાલો, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગયા છે.
આરોગ્ય કેન્દ્રમાં સાડાઆઠ ઈંચ વરસાદ નોંધાયો
મોટા આસોટા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તંત્રના વરસાદ માપક યંત્રમાં ર૧૪ મી.મી. (સાડાઆઠ ઈંચ) વરસાદ નોંધાયો હતો.