જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૦૬ : ખંભાળીયાથી ઝાખરના પાટીયા પાસે વાડીનારનું દિશાસૂચક બોર્ડ લગાવાયું છે, તે માર્ગે ગઈકાલે સાંજે લીધેલી આ તસ્વીર સ્વયં જ બધું કહી રહી છે. આ આઠ થી દસ કિ.મી.ની પટ્ટીમાં એટલા બધા મસમોટા ખાડા છે કે તેનાથી બચીને વાહન ચલાવવું જ મુશ્કેલ છે, તેમાં પણ જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે તો આ ખાડાની ઉંડાઈનો ખ્યાલ જ નહીં આવતો હોવાથી વાહન ચાલકો ભારે પરેશાન થાય છે અને ઘણાં વાહનોમાં ભાંગતૂટ પણ થતી રહે છે, આ કારણે નાના-મોટા અકસ્માતો પણ થતા હોય છે, અને ક્યારેક ગંભીર અકસ્માતના કારણે ગમખ્વાર જાનહાનિનો ખતરો પણ ઝળુંબતો રહે છે. આ ખાડાઓ તંત્રની પોલ તો ખોલી જ રહ્યા છે, પરંતુ ભાજપના શાસનમાં કથિત ભૂંડા ભ્રષ્ટાચારની ગવાહી પણ પૂરે છે. વાહન ચાલકો રૃપાણીના રાજમાં તંત્રોની આ ભવાઈ સામે બળાપો કાઢતા રહે છે. એક સાથે ૬ મસમોટા ખાડાઓની હારમાળા જોઈને એવો સવાલ ઉઠે છે કે આ સ્થળેથી પસાર થતા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને શું આ ખાડાઓ નહીં દેખાતા હોય ?
નવાઈની વાત એ છે વાડીનારની ગોલાઈ (ઝાખરના પાટીયા)થી ખંભાળીયા તરફ જતા માર્ગે આ પ્રકારના ખાડાઓની હારમાળા પૂરી થયા પછી ખંભાળીયા સુધીના માર્ગનું નવીનીકરણ થયેલું હોય તેવું જણાય છે. તેથી આ ટૂકડો કેમ મરામતથી વંચિત રહી ગયો હશે ? લોકો એવી ચર્ચા કરે છે કે ભાગ બટાઈમાં વાંધો પડયો હશે કે પછી આટલી પટ્ટીનું કામ કોઈ અલગ ઈજારેદારને આપ્યા પછી પોલંપોલ ચલાવી લેવાઈ હશે ? આ ખાડાઓના કારણે કોઈ મોટો અકસ્માત થશે તો જવાબદારી કોની ? એ પ્રકારના સવાલોનો જવાબ તો માત્ર સંબંધિત તંત્રો જ આપી શકે તેમ છે. હાલારમાં બબ્બે મંત્રીઓ અને વગદાર નેતાઓ હોવા છતાં જો જામનગર ખંભાળીયા ધોરીમાર્ગની આવી દશા હોય, તો તે સરકાર માટે પણ લાંછન રૃપ છે. આ ખાડાઓ અત્યારે બૂરાય, અથવા આ બિસ્માર પટ્ટીનું ઝડપભેર નવીનીકરણ થાય, તેવું લોકો ઈચ્છી રહ્યા છે, એવી ટીકા થઈ રહી છે કે દેશના અર્થતંત્રની સાથે રોડ-રસ્તા પણ ખાડે ગયા છે !