જામનગર મોર્નિંગ - જામનગર તા. ૬ઃ જામનગરની સાધનાકોલોનીમાં બે દિવસ પહેલાં એક મહિલાના ઘરમાં ઘુસેલા બે શખ્સોએ તેઓના મામાના દીકરી વિશે પુછી મારકૂટ કરી મકાન ખાલી કરી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરની સાધના કોલોનીમાં બ્લોક નંં. એલ/૧૦૬માં રહેતા રંજનબેન આલાભાઈ થારૃ નામના મેઘવાર મહિલા ગઈ તા. ૨ની સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા વામ્બે આવાસવાળા હબીબ મહમદ સમા તથા એક અજાણ્યા શખ્સે તેઓના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ત્યારપછી રંજનબેનના મામાના દીકરી ક્યાં છે તેમ પુછી ગાળો ભાંડી ફડાકાવાળી કરી હતી. રંજનબેને પોતે કંઈ જ જાણતા ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા હબીબ તથા તેના સાગરિતે રંજનબેન અને તેમના પતિને ગાળો ભાંડી જાતિ પ્રત્યે હડધુત કરવા ઉપરાંત છરી બતાવી મકાન ખાલી કરી નાખજો તેમ કહેતા બનાવના બે દિવસ પછી ગઈકાલે રંજનબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૩૨૩, ૧૧૪, ૪૫૨ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.