જામનગર મોર્નિંગ - ઓખા તા. ૬ઃ છેલ્લા કેટલાક સમયથી દારૃની રેલમછેલ પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સુધી પહોંચી ચૂકી છે. બેફામપણે વેચાય રહેલા દેશી અને ઈંગ્લીશ દારૃના હાટડા સામાન્ય જનતા પણ જાણે છે પણ અવાજ ઉઠાવવા કોઈ નેતા કેસામાજિક કાર્યકર તૈયાર નથી. સહુ કોઈ જાણે છે કે ઓખામંડળના વિસ્તારોમાં હાલ બેફામ દેશીદારૃના હાટડાઓ ધમધમી રહ્યા છે. લોકો પણ આ હાટડાઓ વિશે જાણે છે છતાં મૌન છે એનું કારણ એ છે કે લોકોને ખબર છે કે ધમધમતા આ દેશી દારૃના હાટડા ખાખીની દયા દૃષ્ટિ વિના ચાલી જ ન શકે એટલે જ બેખોફ રીતે ઓખામંડળમાં દેશીદારૃનો કારોબાર કમાણી કરી રહ્યો છે.
ગરીબ પરિવારના લોકો આ નશાના કારોબારમાં પી પી ને હોમાઈ રહ્યા છે. આખરે ક્યાં સુધી પોલીસ આવા ધંધાર્થીઓને પ્રોત્સાહન માત્ર હપ્તાઓ લઈને આપતી રહેશે. શું નાગરિકોની રક્ષાની સાથે કાયદો વ્યવસ્થાની જવાબદારી આ કાયદાના રક્ષકોની નથી? ઓખામંડળનો ગ્રામીણ વિસ્તારના લોકો મજુરી કરીને જીવી રહ્યો છે ત્યારે અહીં પરિવારનો મોભી કાળી મજુરી કરી નશાના વ્યસનમાં ધકેલાઈ રહ્યો છે જેને કારણે ગરીબ પરિવારોના માળા વિખેરાય જવાની અણી ઉપર આવીને બેઠા છે. પોલીસ દારૃ પીધેલા અને નાના બુટલેગરોના કેસ કરી સંતોષ માની લે છે તો તે દારૃ પીનાર ગરીબ મજુર એ દારૃ આખરે વેચાતો ક્યાંથી લાવે છે તે ઊંડાણપૂર્વક તપાસ ક્યારેય ઓખામંડળમાં કરવામાં આવતી નથી.
જેના લીધે આજે ઓખા પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં ઠેર-ઠેર દેશીદારૃની ભઠ્ઠીઓ ખુલી ગઈ છે અને ખૂબ મોટા પ્રમાણમાં દેશીદારૃ ખુલ્લેઆમ બની રહ્યો છે અને બેરોકટોક આ વેચાણ સમગ્ર તાલુકામાં જોવા મળી રહ્યું છે. ખુલ્લેઆમ થતા આ દેશીદારૃના હાટડા વીશે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે ત્યારે ચોક્કસ હવે જાબાજ રાજ્ય પોલીસની વિજીલન્સ ટુકડી, ડીઆઈજીની આરઆરસેલ અને એસપીની એલસીબી, એસઓજી સહિત ક્યાંક આવી ટીમો આવા દુષણ સામે ક્યારે કડક કામગીરી કરે તે જોવાનું રહ્યું.