બ્રીજની બાજુમાં પાણીના નિકાસ વાળો ડાયવર્ઝન રોડ બની જતા હાલ વાહન વ્યવહાર પુનઃ રાબેતા મુજબ કાર્યરત થયેલ છે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૧૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા - ભાણવડને જોડતા ધોરીમાર્ગ પર ગુંદલા ગામ પાસે આવેલ બ્રીજ ૧૫ દિવસ પહેલા અચાનક એક સાઈડ બેસી ગયો હતો. જે બાદ તે બ્રીજ પરથી તમામ  વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો. ખંભાળીયા - ભાણવડ ધોરી માર્ગનો પુલ તુટી પડતા ટ્રાન્સપોર્ટ વાહન, ટ્રાવેલ્સ, બસ અને ખાનગી વાહન ચાલકો રસ્તે રઝળી પડ્યા હતા.

તુટેલ બ્રીજ નીચેથી વરસાદી પાણીનો પ્રવાહ અવિરત ચાલુ હોવાથી તત્કાલ આ રોડ પર ડાયવર્ઝન બનાવવો મુશ્કેલ હોવાથી બાદમાં ગુંદા ગામના પાટીયાથી લઈને ભાણખોખરી ગામ સુધી રોડ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો.

હાલ પુલની બાજુમાં જ પાણીના નિકાસ વાળો ડાયવર્ઝન રોડ બની જતા પુનઃ રાબેતા મુજબ વાહન વ્યવહાર શરુ થઇ ગયેલ છે.

પુલ તૂટ્યા બાદ માર્ગ અને મકાન વિભાગની ગાંધીનગરની ટીમ બ્રીજની ડીઝાઇન અને સ્થળ જોઇને તત્કાલ અંદાજપત્ર તૈયાર કરીને પુલની કામગીરી શરુ કરાવવાની તૈયારીમાં હોવાની જાણકારી માર્ગ અને મકાન વિભાગ તરફથી મળી રહી છે. આ મહિનાની ૧૫-૧૭ તારીખ સુધીમાં અંદાજપત્ર તૈયાર થઇ જશે અને તેનું ટેન્ડર પ્રક્રીયા મારફત લગભગ - ૨ થી ૩ મહિનામાં પુલની કામગીરી સ્થળ પર શરુ થઇ જશે.

માર્ગ અને મકાન વિભાગના ખંભાળીયા સબ ડીવીઝન પાસેથી મળેલી માહિતી મુજબ તુટેલ બ્રીજ સંપૂર્ણ નવો નહી બને પણ મોટાભાગનું કામ નવું થશે. કેટલા લાખના ખર્ચે તૈયાર થશે તે અંદાજપત્ર તૈયાર થયા બાદ સામે આવશે.