રૂ. ૧.૧૦ લાખની હતી સોપારી: ઓળખ વગરના ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા ગણતરીના દિવસોમાં જ એલસીબીએ આરોપીને દબોચ્યા 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-જોડીયા વચ્ચે ખીરી ગામ પાસેથી શુક્રવારે ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા એક અજાણ્યા યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યા પછી શરૃ થયેલા તપાસના ધમધમાટમાં પોલીસે બનાવ પરથી પરદો ઉચક્યો છે. મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમસંબંમાં આડખીલી બનતા પતિને પતાવી દેવાના ઘડાયેલા પ્લાનમાં સાથ આપ્યાની અને એક શખ્સે સોપારી લઈ આ યુવાનને અન્ય ત્રણની મદદગારીથી કોઈતાના ઘા મારી, જીપ માથે ચડાવી દઈ ખીરી ગામ પાસે ફેંકી દીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકની પત્નીની અટકાયત કરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મળતી વિગત મુજબ જામનગરથી જોડીયા વચ્ચે આવેલા ખીરી પાસેથી ગયા શુક્રવારે સવારે અંદાજે પાંત્રીસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. જેને કોઈએ જોયા પછી પોલીસમાં જાણ કરતા જોડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ યુવાનને માથા, છાતી તથા ડાબા હાથમાં ગંભીર ઈજાઓ જોવા મળી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું દિવાળીની સાંજે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી તપાસ શરૃ કરી હતી. જેમાં એલસીબીએ પણ ઝંપલાવ્યું હતું.
તે દરમ્યાન મૃતકની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા સાંપડી હતી. મૃતક જામનગરના સાત રસ્તા સર્કલમાં રહેતો હારૃન કાસમ બાબવાણી (સુમરા) હોવાનું બહાર આવતા પોલીસે તપાસને વેગવંતી બનાવી હતી. આ યુવાનનો ભાઈ રહીમ કાસમ સુમરા જામનગરની કુખ્યાત તાજીયા ગેંગનો સાગરીત હતો જેનું વર્ષ ૨૦૦૬માં પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. પોલીસે આ દિશામાં તપાસ આગળ ધપાવતા આ બનાવ સોપારી આપીને હત્યા કરાવવાનો હોવાની આશંકા ઊભી થઈ હતી. તેથી પોલીસે મૃતક હારૃન કાસમની પત્ની શબાનાને અટકાયતમાં લઈ પુછપરછ ઘનિષ્ઠ બનાવી હતી. જેના પગલે આ ગુન્હાનું રહસ્ય ખુલી જવા પામ્યું છે.
પોલીસ સમક્ષ પોપટ બની ગયેલી શબાનાએ આપેલી વિગતના પગલે પોલીસે અન્ય ચાર શખ્સોની પણ સંડોવણી જાહેર કરી છે. શબાનાના જણાવ્યા મુજબ તેણીની આંખ કાલાવડના જ સાહીદ સીરાજ સોમાણી નામના ખોજા શખ્સ સાથે મળી ગઈ હતી. આ પ્રેમી પંખીડાને શબાનાનો પતિ હારૃન આંખમાં કણાની માફક ખટકતો હતો. જ્યાં સુધી હારૃન છે ત્યાં સુધી બન્ને પ્રેમી એક થઈ શકશે નહીં તેવી ભીતિથી ડરતા પ્રેમીઓએ હારૃનનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું અને તેના અનુસંધાને શાહીદે પોતાના મિત્ર નુરમામદ બ્લોચ ઉર્ફે ભાણાને વાત કર્યા પછી કાલાવડમાં જ રહેતા અજય સુરેશ નૈયા નામના શખ્સને હારૃન કાસમની સોપારી આપી હતી. અજયે રૃા. ૧.60 લાખ માં હારૃનને પતાવી દેવાનો સોદો કરી પોતાના મિત્ર સાગર વિનોદ વાઘેલાની મદદ લીધી હતી.
ઘડી કાઢવામાં આવેલા પ્લાન મુજબ ગુરૃવારની રાત્રે શબાનાએ પોતાના પતિ હારૃનને શરાબનો નશો કરાવ્યો હતો. નશામાં ધૂત બની ગયેલા હારૃનને સુવડાવી દઈ શબાનાએ ફોન કરી અજય, સાગર, નુરમામદ અને શાહીદને બોલાવતા આ ચારેય શખ્સો જીજે-૨૩-ટી-૯૮૧૪ નંબરની તુફાન જીપ લઈને નાની કાલાવડથી ધસી આવ્યા હતાં. આ શખ્સોએ હારૃનને ટીંગાટોળી કરી જીપમાં નાખ્યો હતો. આ વેળાએ શબાનાએ હારૃનની હત્યા માટે ઘરમાંથી માંસ કાપવામાં ઉપયોગમાં લેવાતી મોટી છરી (કોયતો) આપી હતી. તે પછી ઉપરોક્ત ચારેય શખ્સો અનુકુળ સ્થળ શોધતા શોધતા બાલાચડી સુધી આવી ગયા હતાં ત્યારે સવારના છએક વાગી ગયા હતાં. ત્યાં સુમસાન રસ્તે હારૃનને ઉતારી કોઈતાના ઘા ઝીંકવામાં આવ્યા હતાં. તે પછી અજય નૈયાએ જીપ હારૃન પર ફેરવી દીધી હતી. હવે હારૃન મૃત્યુ જ પામ્યો હશે તેમ માની તેને ઢસડી રોડના કિનારે મૂકી ચારેય શખ્સો તુફાનમાં નાસી છુટ્યા હતાં. જતા જતા આ શખ્સોએ કોઈતો કાલાવડ જતા વચ્ચે આવતી એક નદીના પુલ પરથી ફેંકી દીધી હતી. સોપારીની રકમમાંથી રૃા. ૪૦,૦૦૦ મળી ચૂક્યા હોય તે રકમ સગેવગે કરી ચારેય શખ્સો છુટા પડી ગયા હતાં.
ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા હારૃનનુું મૃત્યુ નિપજ્યા પછી આગળ વધેલી તપાસમાં ઉપરોક્ત હકીકત ખુલી હતી. તે દરમ્યાન ધરારનગરમાં રહેતા હારૃનના ભાઈ કરીમ કાસમ બાબવાણીએ નોંધાવેલી ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે અને ગઈકાલે તેનું ડીટેક્શન થયું હતું.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી.ગોજીયા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, હિરેનભાઈ વરણવ, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, અશોકભાઈ સોલંકી, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઈ ભાટીયા, ભરતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વગેરે દ્વારા કરવામાં આવી હતી.