જામનગર મોર્નિંગ – ભાણવડ તા.૦૬ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં પત્રકારત્વ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ જાડેજા પર ભાણવડ ગામના જ ખાનગી શાળા સંચાલકએ હુમલો કરીને ઇજાઓ પહોચાડેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે રોષે ભરાયેલ ભાણવડ તાલુકા પત્રકાર એસોસીયનએ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પાઠવીને હુમલો કરનાર શાળા સંચાલક પર કડક ફોજદારી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં પત્રકારત્વ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ જાડેજા તા.૦૪/૧૦/૨૦૧૯ના રોજ ભાણવડ ગામની સરકારી હાઈસ્કુલ ચોક પાસે પોતાના રૂટીન કામે જતા એ દરમ્યાન ત્યાં સ્વીફ્ટ મોટર GJ 37 B 5060 નંબરની કાર લઈને ઘસી આવેલ શિવકૃપા ખાનગી શાળાના સંચાલક જીવાભાઈ પબાભાઈ કરમુરએ પત્રકાર હિતેન્દ્રસિંહને આંતરીને જીવલેણ હુમલો કરીને નાક તેમજ ગાલના ભાગમાં નાના કટર વળે ઈજાઓ પહોચાડેલ અને તું થોડા દિવસ નો જ મહેમાન છે તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને આરોપી જીવા પબા કરમુર રફુચક્કર થઇ ગયેલ. આ બાબતની જાણ ભાણવડ પત્રકાર એસોસીયનને થતા પત્રકારો ત્યાં દોડી આવ્યા હતા અને ધોરણસર ભાણવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
રોષે ભરાયેલ ભાણવડ પત્રકાર એસોસીયનને મુખ્યમંત્રી,ગૃહ મંત્રી, જીલ્લા પોલીસ અધિક્ષક, મામલતદાર ભાણવડ અને ભાણવડ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આવેદન પાઠવીને આરોપી પર કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલા રૂપ કામગીરી કરવા જણાવ્યું હતું. જેથી કરીને ફરી આવો બનાવ પત્રકાર કે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ના બનવા પામે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ હુમલો કરનાર ખાનગી શાળા સંચાલક જીવા પબા કરમુર પર ભૂતકાળમાં પણ ગુન્હાખોરીની પોલીસ ફરિયાદ ભાણવડ પોલીસ દફતરે નોંધાયેલી છે. જેથી આરોપી રીઢો ગુનેગાર હોય દાખલારૂપ કામગીરી કરવી જરૂરી છે.