જામનગર મોર્નિંગ - જામનગર 
રાજ્યમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાન બાદ પાકવીમાનો મુદ્દો ગરમાયો છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે 3795 કરોડનું પેકેજ જાહેર કર્યુ હોવા છતાં ખેડૂતોમાં આ મુદ્દે અસંતોષ હોવાનું નિવેદન જામનગરના સાંસદ પૂનમ માડમે કર્યુ છે. પૂનમ માડમે લોકસભાના શિયાળુ સત્રમાં પાકવીમા મુદ્દે વીમા કંપનીઓનો ઉધડો લીધો હતો. પૂનમ માડમે આ મુદ્દે સ્પીકર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો. પૂનમ માડમે જણાવ્યું હતું કે પાક વીમાના મુદ્દે વીમા કંપનીઓ મનમાની કરે છે. ખેડૂતોમાં હજી પણ અસંતોષ છે.
પૂનમ માડમે કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી કે તેઓ પાકવીમા મુદ્દે ઝડપથી દખલગીરી કરે. પૂનમ માડમે જણાવ્યું, “સરકારના પ્રયાસો છતાં વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને તેમને અધિકાર નથી મળી રહ્યા. વીમા કંપનીઓએ યોગ્ય આંકલન ન કર્યુ હોય તેના કારણે ખેડૂતોને તેમના હક્ક નથી મળી રહ્યા.
લોકસભાના સત્ર બાદ સાંજે પૂનમ માડમે જણાવ્યું કે 'મેં મારા વિસ્તારના ખેડૂતોના પાકવીમાના મુદ્દે રજૂઆત કરી હતી. અતિવૃષ્ટી હોય કે દુષ્કાળ હોય. વીમા કંપનીઓના સરવેની વાત આવે ત્યારે ખેડૂતોની સતત ફરિયાદ હોય છે કે વીમા કંપનીઓ ગ્રાઉન્ડ પર નથી આવતા. અમે એ વાતના સાક્ષી છે કે વીમા કંપની દ્વારા મળવા પાત્ર વળતર મળતું નથી.”
પૂનમ માડમે જણાવ્યું, “રાજ્યમાં મુખ્યમંત્રી અને દેશમાં વડાપ્રધાન નિષ્ઠાપૂર્વક કામ કરે છે તેમ છતાં વીમા કંપનીઓની જવાબદેહી ગાઇડલાઇન્સ મુજબ નક્કી થવી જોઈએ. વીમા કંપનીઓની જોહૂકમી બંધ થાય તેવું નમ્ર નિવેદન મેં કૃષિમંત્રી અને કેન્દ્ર સરકારને કરી છે.”
પૂનમ માડમે વધુમાં કહ્યું, “સરકારના ધ્યાનમાં આ વિષય છે. લોકોના માધ્યમથી પણ સરકારને ફીડ બેક મળ્યો છે. મેં બે સૂચનો કર્યા છે. જે રકમ વીમા કંપનીઓ તરફથી ખેડૂતોને મળે છે, તે મળવા પાત્ર રકમ જો ડાયરેક્ટ ખાતામાં જમા કરાવી શકાય તેવું સૂચન કર્યુ છે. વીમા કંપની સાચું આંકલન નથી કરતી. મને ખાત્રી છે આગામી દિવસોમાં વીમા કંપનીની જો હકૂમી બંધ થશે તેવો મને વિશ્વાસ છે”