ગરાસીયા યુવકની કાયદાથી સંઘર્ષીત કિશોર સહિત પાંચ શખ્સે નિપજાવી હત્યા: સાત રસ્તા સર્કલ પાસે ઈંડાકળીની રેંકડીએ બન્યો બનાવ: ગણતરીના કલાકોમાં આરોપીઓને એલસીબીએ દબોચી લીધા 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં સાત રસ્તા જેવા ભરચક વિસ્તારમાં ગાઇકાલ મધ્ય રાત્રીના સુમારે નજીવી બાબતે ગરાસીયા યુવકની કેટલાક શખ્સોએ છરીઓના ઘા ઝીકી હત્યા નિપજાવતા શહેરભરમાં ચર્ચા જાગી છે બીજી તરફ પોલીસે તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 
આ બનાવની વિગત એવી છે કે  જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ કામદાર કોલોની ખાતે રહેતો મહેન્દ્રસિંહ જયેન્દ્રસિહ જાડેજા અને તેનો મિત્ર પ્રદીપસિંહ ઉર્ફે અજયસિંહ ઝાલા નામના બંને યુવક ગઈકાલે રાત્રે 12.15 વાગ્યાના સુમારે ધરારનગર આવાસ બ્લોકમાં રહેતા અને જામનગરમાં સાત રસ્તા પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ઈંડાકળીની રેંકડી ધરાવતા રહીમ કાસમ આમરોલીયાની રેંકડીએ ઈંડાકળી ખાવા માટે ગયા હોય તે વખતે અહીં જીતુ ઉર્ફે જીતો રાજુભાઈ મકવાણા, અસગ઼ર ઉર્ફે પંખી બસીર સુમરા અને એક કાયદાથી સંઘર્ષીત કિશોર સહિત ત્રણેય શખ્સ એક્સેસ મોટરસાઇકલ લઈ આજ રેંકડીએ જમવા માટે આવેલ હોય એ વખતે પ્રદીપસિંહ તથા જીતુ મકવાણા વચ્ચે સામું જોવા બાબતે નજીવી બોલાચાલી થઈ હતી બાદ આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને જીતુ મકવાણાએ અન્ય રફીક ઇબ્રાહિમ ખફી તથા અલ્તાફ વલીમામદ ગામેતી (રહે. ઢીચડા) નામના શખ્સોને મોબાઈલ ફોન કરી બોલાવેલ ત્યારબાદ આ બંને શખ્સ પણ અલ્ટો કારમાં ત્યાં પહોંચી ગયા હતા અને બાદમાં પાંચેય શખ્સે એક સંપ કરી તલવાર તેમજ છરીથી શરીરના કપાળના અને વાંસાના ભાગે જોરદાર પ્રહાર કરતા પ્રદીપસિંહ ત્યાંજ ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું, ત્યારબાદ વાહનમાં આવેલા તમામ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને બાદમાં પ્રદીપસિંહની સાથે રહેલા તેના મિત્ર મહેન્દ્રસિંહ જાડેજાએ પોલીસમાં જાણ અને ફરિયાદ નોંધાવતા સીટી સી ડિવિઝન પોલીસે તમામ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરેલ બીજી તરફ આ ઘટનાની જાણ થતા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ યુવકની હત્યા નિપજાવનાર જીતુ મકવાણા, રફીક ખફી, અસગ઼ર સુમરા, અલ્તાફ વલીમામદ અને એક કાયદાથી સંઘર્ષીત કિશોર સહિત પાંચેયને ઝડપી લીધા હતા અને સીટી સી ડિવિઝન પોલીસને સોંપી દીધા હતા અને ત્યારબાદ તમામ ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવાંની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આમ સામું જોવાની નજીવી બાબતે એક યુવકનો ભોગ લેવાતા મૃતકના પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઈ ગયો છે.       
આ આરોપીઓને એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથીસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ જાડેજા, અશ્વિનભાઈ ગંઢા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, અશોકભાઈ સોલંકી, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.