ગુજરાત સરકાર વહીવટી તંત્રને પારદર્શક અને સમયમર્યાદામાં કામગીરી કરાવડાવવાની અનેક કોશિશ કરે છતાં અમુક કર્મચારીઓ આવી બધી બાબતો ક્યારેય ગંભીરતાથી લેતા નથી.
જામનગર મોર્નિંગ - ખંભાળીયા 
દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાણવડ માલતદાર કચેરીની જમીન શાખા ઘણા સમયથી સંગ્રહાલય બની ગયું હોય તેમ અનેક ફાઈલોને સંગ્રહ કરીને બેઠું છે. ૩૦ દિવસની કામગીરી ૩૦૦ દિવસે પણ પૂર્ણ થતી નથી.
ભાણવડ મામલતદાર કચેરીની જમીન શાખામાં ખાસ કરીને જમીન એકત્રીકરણ,રેવન્યુ રેકર્ડમાં નામમાં સુધારા હુકમ, તપાસો અંગેની અરજીઓ ૧ વર્ષ કરતા વધારે સમયથી પડતર હોવા છતાં પણ તંત્ર હજી અરજીઓ નિકાલ કરવાના મુડમાં હોઈ તેવું દેખાતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસરકારની તમામ સેવાઓની સરકારશ્રી દ્વારા મુદત નક્કી કરવામાં આવી છે અને એ મુજબ નાગરિક અધિકારપત્રની અમલવારી કરવાનું પણ જણાવાયું છે નાગરિક અધિકારપત્ર દરેક કચેરીમાં પબ્લિક સરળતાથી જોઈ શકે તે રીતે લગાવવાના હોય છે.
રાજ્ય સરકારએ ૧ દિવસ, ૩ દિવસ , ૭ દિવસ, ૧૫ દિવસ,૩૦ દિવસ અને મહતમ ૯૦ દિવસ આમ અલગ - અલગ પ્રકારની સેવાઓ/અરજીઓના નિકાલ માટેની સમય મર્યાદા નક્કી કરેલ છે.
૬ મહિના અને ૧ વર્ષથી વધારે મુદતની અરજી અંગે જયારે જમીનશાખાના નાયબ મામલતદાર સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે અમારે કોઈ મુદત ના હોય સમય મળે ત્યારે થાય. જવાબમાં પૂછયું કે તો પડતર અરજીનો નિકાલ ક્યારે કરશો ત્યારે નાયબ મામલતદારએ જણાવ્યું કે મને મુદત અંગે પૂછવું નહી થતું હશે ત્યારે થશે !
આ વાતચીત થયા બાદ સવાલ એ થાય છે કે સરકાર કહે છે કે દરેક કામગીરીની સમય મર્યાદા નક્કી થયેલી હોય છે જયારે નાયબ મામલતદાર કહે છે મુદત ના આપવાની હોય ત્યારે આખરે સાચું કોણ , નાયબ મામલતદાર કે ગુજરાત સરકાર !