આરટીઆઈ એક્ટિવિસ્ટ ભાવિક એચ. પાબારીની આરટીઆઇમાં હકીકત બારે આવી: નાદારીના આરે આવેલી મનપાની પોલ છતી થઈ  

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર કોર્પોરેશન પોતાની ઢીલી નીતિને કારણે આમ તો અવાર નવાર ચર્ચામાં રહે છે, કહેવાય છે જામનગર કોર્પોરેશન નાદારી પર આવી ગયું છે, કર્મચારીઓને ચૂકવવા માટેના પૈસા પણ નથી, તિજોરી ખાલી હોવા છતા કોર્પોરેશનનો ટેક્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, આ વાતની પુષ્ઠી કરતી માહિતી એક આરટીઆઈમાં બહાર આવી છે, ભાવિક એચ.પાબારી દ્વારા કરવામાં આવેલા આરટીઆઈના જવાબમાં જણાવવામાં આવ્યું કે વિવિધ સરકારી આવાસ યોજના પાસેથી જામનગર કોર્પોરેશનના 30,61,478 રૂપિયાની ઉઘરાણી બાકી છે. અધધ આટલા રૂપિયા ઉઘરાવવાના બાકી હોવા છતા કોર્પોરેશન દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી તેવું સ્પષ્ટ થાય છે.  
આરટીઆઈના જવાબમાં જણાવવામાં આવ્યું કે એમ.પી શાહ, ઉદ્યોગનગર ખાતે આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના એલઆઇજી-1 (વિંગ-એ)નો રૂપિયા 1,18,633નો વેરો બાકી છે, એમ.પી શાહ, ઉદ્યોગનગર ખાતે આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના એલઆઈજી -1 (વિંગ-બી)નો રૂપિયા 1,64,078નો, એમ.પી શાહ, ઉદ્યોગનગર ખાતે આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના એલઆઇજી-1 (વિંગ-સી)નો રૂપિયા 1,30,655નો, એમ.પી શાહ, ઉદ્યોગનગર ખાતે આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના એલઆઈજી-1 (વિંગ-ડી)નો રૂપિયા 1,29,930નો વેરો બાકી છે, તો એરોડ્રોમ રોડ પર મયુરનગરમાં આવેલી ડો. શ્યામ પ્રસાદ મુખર્જી મુખ્યમંત્રી આવાસની ચારેય યોજનાના 15,91,121 રૂપિયાનો વેરો બાકી છે. આ સિવાય એલઆઈજી-2 એરફોર્સ ગેટ-2ની સામે આવેલી સરદાર પટેલ આવાસની કોમર્શિયલ અને રેસિડન્સ યોજનાનો પાણીનો વેરો રૂપિયા 4,14,040 બાકી છે. 
તો સાધના કોલોનીમાં આવેલી ગોકુલધાન સ્વર્ણિમ નગર ફ્લેટ એસોશિએશનની બંને યોજનાના 2,11,313 રૂપિયાનો પાણી વેરો બાકી છે. સરું સેક્શન રોડ પર આવેલી સરલાબેન ત્રિવેદી આવાસ યોજના પાસેથી 1,28,831 રૂપિયાનું ઉઘરાણું બાકી છે, ગોલ્ડન સિટી સામે આવેલી ફુલચંદભાઇ તંબોલીભવન યોજના પાસેથી 82350 રૂપિયાનો પાણી વેરો બાકી છે, લાલવાડી આવાસ યોજનાની અટલ રેસિડેન્સી પાસેથી 50,498 અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની નાગમતી હાઉસિંગ સોસાયટી પાસેથી 40,089 રૂપિયાનો પાણી વેરો બાકી છે.