• ઢેબર અને હર્ષદની ચેક પોસ્ટ અનઅધિકૃત ચાલતા ખનીજ પર બ્રેક લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.16 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકા ખનીજ ચોરી માટે વિખ્યાત બની ગયા છે. કલ્યાણપુર અને દ્વારકામાંથી બોક્સાઈટ, દરિયાઈ રેતી તથા ભાણવડમાંથી  લાઇમ સ્ટોન ખનીજ ચોરી ક્રમશ દોઢ દાયકાથી અવિરત પણે ચાલતી હતી.
વીતેલા એક વર્ષમાં કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકાઓમાંથી અનેક ખનીજ માફિયાઓના ખનીજ વહન કરતા વાહનો ખાણ - ખનીજ કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા સીઝ કરીને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મહત્તમ દંડ વસુલાઈ ચુક્યો હોવાની પણ વિગત સામે આવી છે.

ખાણ ખનીજ કચેરી દેવભૂમિ દ્વારકાના ભૂસ્તરશાસ્ત્રી એન. કે. પટેલની રાહબરી હેઠળ વીતેલા એક વર્ષમાં ખાણ - ખનીજ કચેરી મારફત થયેલ રેડમાં જપ્ત થયેલ મશીનરી અને વસૂલાયેલ દંડથી ખનીજ માફિયાઓની આર્થિક કમર તૂટી ગઈ છે. જેથી 15 વર્ષથી ચાલતી ખનીજ ચોરી વીતેલા 7-8 મહિનામાં મહતમ બંધ થઇ ગઈ છે.

જે ખનીજ ચોરીને વધુ અસરકારક રીતે બંધ કરવા માટે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે દ્વારકા - સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તેમજ ભાણવડ તાલુકાના ઢેબર ગામે ભાણવડ - પોરબંદર રાજ્ય ધોરી માર્ગ પર ખાણ - ખનીજની નવી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સુરક્ષા કર્મીઓ 24 કલાક કાર્યરત રહેશે અને ખનીજ વહન કરતા તમામ વાહનોની ચકાસણી કરશે જેમાં રોયલ્ટી પાસ ધરાવતા વાહનોની રોયલ્ટી નંબર સાથે નોંધણી કરશે અને રોયલ્ટી પાસ વિનાની અનધિકૃત રીતે ખનીજ વહન કરતા વાહનોને જપ્ત/સીઝ કરીને દંડ વસુલવાની કાર્યવાહી ખાણ - ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવશે. ઢેબર અને હર્ષદની ચેક પોસ્ટ અનઅધિકૃત ચાલતા ખનીજ પર બ્રેક લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.