હડમતીયા નદી પરના ડાઈવર્ઝનમાં છકડો રીક્ષા ઉથલી ગઈ ત્યારે લોકોએ બહાર કાઢી હતી.

વોંકળામાં કાર ઉતરી ગઈ ત્યારની તસ્વીર

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.21 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા - ભાણવડ રાજ્યધોરી માર્ગ પર બે અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં ભાણવડ પાસે રૂપામોરાના વોકળામાં હાઇવે પરથી કાર વોકળામાં ઉતરી ગઈ હતી જયારે બીજા બનાવમાં ગુંદલા ગામ પાસે હડમતીયા નદી પરના બ્રિજના ડાઈવર્ઝન રોડમાં છકડો રીક્ષા ઉથલી ગઈ હતી. 

પ્રાપ્ત વિગત મુજબ ખંભાળીયા ભાણવડ ધોરીમાર્ગ પર ગુંદલા ગામ પાસે હડમતીયા નદી પરનો બ્રિજ 3-4 મહિના પહેલા બેસી ગયો હોવાથી બાજુમાં ડાઈવર્ઝન રસ્તો કાઢેલ છે. જે ડાયવર્ઝન રસ્તા પર બપોરના સુમારે પસાર થઇ રહેલ ખોળ - કપાસીયાની ગુણી ભરેલ છકડો રીક્ષા ઉથલી ગયો હતો કોઈ જાનહાનિ થઇ ના હતી આજુબાજુના લોકોએ મળીને છકડાને બહાર કાઢ્યો હતો.
જયારે બીજા બનાવમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ ભાણવડ પાસે ત્રિવેણી નદીના મુખ્ય બ્રિજની બાજુમાં રૂપામોરા ગામ પાસે રોડ નીચેથી પસાર થનાર વોકળામાં રોડ પરથી આવતી કાર વોકળામાં ઉતરી ગઈ હતી કાર ચાલાક પાણી ભરેલા વોકળામાં કારમાંથી સલામત રીતે બહાર નીકળ્યા હોવાની માહિતી મળી રહી છે જયારે કાર વોંકળામાં ડૂબી ગઈ હતી. આમ એકજ દિવસમાં ભાણવડ - ખંભાળીયા ધોરી માર્ગ પર અકસ્માતના બે બનાવ બન્યા હતા.