ઘુમલી - ભેનકવડ રોડની હાલની તસ્વીર

  • નવલખો મહેલ,ભૃગુકુંડ આશ્રમ,આશાપુરા મંદિર જેતાવાવ જેવા અનેક ઈતિહાસ ધરાવતા ઘુમલી ગામનો રસ્તો બિસ્માર હાલતમાં.

  • ઘુમલી ગામે તહેવારમાં તેમજ રજાઓના દિવસમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ/શ્રધાળુઓ આવે છે.


જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૦૩ : દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ભેનકવડ થી મોખાણા, ઘુમલી, ટીંબડી, ફિલ્ટર અને કપુરડીનેશ થઈને જામનગર - પોરબંદર રાજ્યધોરી માર્ગ સાથે જોડાતો દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ  હસ્તકનો રોડ ભેનકવડ ગામ થી ઘુમલી ગામ સુધીનો આશરે ૫ કી.મી. જેટલો રસ્તો ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં આવેલ છે રોડમાં ઠેર - ઠેર ગાબડાઓ પડી ચુક્યા છે. મળતી માહિતી મુજબ આ રોડ વર્ષ ૨૦૧૦ની આસપાસ બનેલ હતો ત્યારબાદ સતત થીગડા લગાવીને કામ ચલાવાઈ રહ્યું છે.

ભેનકવડ થી ઘુમલી થઈને જામનગર - પોરબંદર રાજ્યમાર્ગ સાથે જોડાતો આ રસ્તો ૨૦ થી વધારે ગામના લોકોનો મુખ્ય પરિવહન માર્ગ આવેલ છે. તેમજ ઐતિહાસિક ઘુમલી ગામ, નવલખો મહેલ, બરડા ડુંગર પર આશાપુરા માતાજી મંદિર, ભૃગુકુંડ આશ્રમ, સોનકંસારી જેવા અનેક ઐતિહાસિક તેમજ પ્રવાસનને લગતા સ્થળ પર જવા માટેના આ રસ્તાનું દસ વર્ષથી નવીનીકરણ થયું નથી.

માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) માંથી મળતી માહિતી મુજબ આ રસ્તાના નવીનીકરણ માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તથા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં દરખાસ્ત કરીને મોકલાવાઈ છે જેમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તાનું કામ પ્રથમ પ્રાયોરીટીમાં છે.

માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અન્ય રસ્તાઓ મહતમ ૩ અને ૫ વર્ષે નવીનીકરણ થતા હોય છે ત્યારે આ રસ્તો ૧૦ વર્ષથી નવીનીકરણ થયો નથી અહી રસ્તા પરથી પસાર થતા ૨૦ ગામના લોકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓમાં તંત્રનો ખોટો મેસેજ ના જાય તેમજ તેઓને ખાડા - ખબડાની દુવિધામાંથી મુક્ત કરવા માટે તાકીદે આ રસ્તો નવીનીકરણ કરવો ખુબ જરૂરી છે.