ભારે દોડધામ : જૂબાની પુરી થયા ચેમ્બરની બહાર જ બ્લેડ વડે કાપા માર્યા 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયાની પોક્સો અદાલતમાં મુદ્દતે લાવવામાં આવેલા દ્વારકાના એક આરોપીએ પોતાના હાથમાં બ્લેડ વડે કાપા મારી, આપઘાત કરવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
મળતી વિગત મુજબ દ્વારકામાં રહેતી એક સગીરાને તેના કુટુંબી અને પરિણીત એવા માલરાજ ઉર્ફે દેપો લખાણ હાજાણી નામના આશરે 25 વર્ષના નાના ભાવડા ગામે રહેતા માલધારી યુવાને અપહરણ કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બે સંતાનોના પિતા એવા માલરાજ ઉર્ફે દેપો લખાણ હાજાણી સામે સગીરાને સાડા ત્રણ મહિના સુધી જુદા-જુદા સ્થળોએ લઈ જઈ, દુષ્કર્મ ગુજારવા અંગે સગીરાના પિતાએ દ્વારકા પોલીસ મથકમાંફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં આરોપી માલરાજ ઉર્ફે દેપો લખાણ હાજાણી મુળ કુરંગા ગામના અને હાલ વરવાળા ગામે રહેતા અભુભા ગાગાભા માણેક (ઉ.વ.28)એ મદદગારી કરી હોવાનું જાહેર થતા પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366, 376, 114 તથા પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધાયો હતો.
આ પ્રકરણમાં પોલીસે આરોપી માલરાજ ઉર્ફે દેપો લખાણ હાજાણીની ધરપકડ કરી, જે-તે સમયે અદાલતમાં રજૂ કરતા અદાલતે તેને જેલ હવાલે કર્યો હતો. બાદમાં મદદગારીના આરોપી અભુભા માણેક જામીન મુક્ત થયો હતો. દરમ્યાન આ સમગ્ર કેસ ખંભાળિયાની એ.એમ.શેખની સ્પે. પોક્સો અદાલતમાં ચાલતા જામનગર જિલ્લા જેલમાંથી કેદી પાર્ટી સાથે બુધવારે આરોપી માલરાજ ઉર્ફે દેપો લખાણ હાજાણીને અહીં લાવવામાં આવ્યો હતો. 
આ કેસ માટેની ઈન કેમેરા ઝૂબાની સગીરા તથા તેણીના પિતાએ આરોપી વિગેરેની હાજરીમાં મેજીસ્ટ્રેટ સમક્ષ પૂર્ણ કરાતાં સાંજે આશરે સવા છએક વાગ્યે આરોપી માલરાજને બહાર લઈ જવાતાં પોલીસ તેનો કબ્જો સંભાળે તે પહેલા તેણે પોતાની પાસે રહેલી બ્લેડના ટૂકડા પોતાના હાથના કાંડામાં તથા ગળામાં ચેકા મારી દેતા તે કોર્ટમાં જ લોહી-લુહાણ હાલતમાં પડી ગયો હતો. જેથી સ્થળ પર ઉપસ્થિત પોલીસ વિગેરે દ્વારા તાકીદે કોર્ટમાં જ ઇમરજન્સી 108 વાન બોલાવી તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવે કોર્ટમાં ભારે દોડધામ સાથે વકીલોમાં ચર્ચા પ્રસરાવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા માલરાજને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.