દેશમાં કુલ મૃત્યુઆંક છ થયો : દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 324 પર પહોંચી, દેશભરમાં જનતા કર્ફ્યૂનો શિસ્તતાપૂર્વક અમલ
જામનગર મોર્નિંગ - મુંબઈ

કોરોના મહામારીએ દેશમાં જે હાહાકાર વર્તાવ્યો છે તેને નિયંત્રિત કરવા માટે 22 માર્ચના પીએમ મોદીએ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. મુંબઈમાં કોરોનાગ્રસ્ત એક 63 વર્ષના આધેડનું હોસ્પિટલમાં જ મોત થયું છે. આ ઉપરાંત બિહારના પટણામાં પણ 38 વર્ષના શખ્સનું કોરોનાથી મોત થયું છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક છ થયો છે. બિહારને બાદ કરતા કોરોનાથી મૃત્યુ પામેલા તમામ લોકની ઉંમર 60 ઉપરની હોવાનું નોંધાયું છે. કોરોના વાયરસથી દેશમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 324 પર પહોંચી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈમાં 19 માર્ચના હોસ્પિટલમાં દાખલ કરાયેલા 63 વર્ષના આધેડને કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓને અન્ય ગંભીર બીમારીઓ પણ હતી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોનાગ્રસ્ત આધેડને ડાયાબિટીઝ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય સંલગ્ન બીમારી પણ હતી.

અગાઉ પંજાબ, દિલ્હી, કેરળ અને કર્ણાટકમાં કોરોનાને પગલે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓના મોત થયા હોવાનું જણાયું હતું. દેશમાં કોરોનાને પગલે મૃત્યુઆકં છ પર પહોંચ્યો છે. આજે દેશભરમાં જનતા કર્ફ્યૂનો કડક રીતે લોકો અમલ કરી રહ્યા છે. સ્વયંભૂ લોકો ઘરમાં રહીને કર્ફ્યૂનું સમર્થન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હિમાચલ, ગોવા અને દક્ષિણથી લઈને ઉત્તર ભારત સહિતના તમામ રાજ્યો કર્ફ્યૂમાં સહયોગ આપી રહ્યા છે. ઝારખંડમાં કોરોનાનો એકપણ કેસ નહીં હોવા છતા જનતા કર્ફ્યૂનું શિસ્તતાપૂર્વક લોકોએ પાલન કર્યું હતું.