સારવાર કરી રહેલા ડોક્ટરને પણ ચેપ લાગ્યો : કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુનો કેસ સુરતમાં નોંધાયો
જામનગર મોર્નિંગ - ગુજરાત 
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પહેલું મોત થયું છે. સુરતના 67 વર્ષ નાનપુરાના વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરને પણ ચેપ લાગ્યો. કોરોના પોઝિટીવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી અને અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટીવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બપોરે મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ વૃદ્ધે વિદેશ પ્રવાસ નહોતો કર્યો પરંતુ તેઓ દિલ્હી અને જયપુરથી યાત્રા કરી સુરત આવ્યા હતા. કોરોના પોઝિટીવ વૃદ્ધિની સારવાર કરી રહેલા તબીબને પણ ચેપ લાગ્યો હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં કુલ 18 પોઝિટીવ કેસ નોંધાયા હોવાનું બપોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. સુરતમાં કુલ ત્રણ કેસ નોંધાયા હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યભરમાં આરોગ્યની ટીમ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને જે લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે અથવા વિદેશથી આવીને તેઓ ક્વોરન્ટાઈનમાં રહેવાને બદલે અન્ય લોકોને મળ્યા છે તો તેવા લોકોની પૂછપરછ કરીને તેમને હોમ ક્વોરન્ટાઈન કરવા સહિત તમામ તકેદારી લેવામાં આવી રહી છે. સુરતમાં વૃદ્ધના મોત સાથે વડોદરામાં પણ એક વૃદ્ધાનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે જો કે આ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી હોવાનું જણાયું છે.