• બરડા વન્ય પ્રાણી અભ્યારણમાં ૧૦ થી ૧૨ દીપડા વિહરતા હોવાની માહિતી.

  • ૧ મહિના પૂર્વે પકડાયેલ દીપડાને પણ બરડા ડુંગરમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
જામનગર મોર્નિંગ - ભાણવડ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના રાણપર ગામેથી ૧ માદા દીપડો શનિવારે વન વિભાગના પાંજરે પુરાયો હતો. એક મહિનામાં આ બીજી ઘટના બનવા પામી છે ગઈ તારીખ ૧૫ ફેબ્રુઆરીના દિવસે પણ રાણપર ગામેથી નર દીપડો પકડાયો હતો.

રાણપર ગ્રામજનો અને સરપંચની રજૂઆતને પગલે ૧ મહિના પહેલા રાણપર ગામેથી દીપડાને રેસ્ક્યુ કરાયો હતો જે દીપડાને ડોકટરી સારવાર બાદ બરડા ડુંગરમાં મુક્ત કરવામાં આવ્યો હતો જે બાદ રાણપર ગામમાં ફરીવાર દીપડો આવતો હોવાની રજુઆતના પગલે તા.૧૩/૦૩/૨૦૨૦ના રોજ ફરી એક વખત રાણપર ગામના શામળાશા પીર દરગાહ પાસે વીડીમાં દીપડો પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને પાંજરા સુધી દીપડાને લઇ આવવા માટે તેમાં મચ્છી રાખવામાં આવી હતી. જે પાંજરામાં એક જ દિવસમાં તા.૧૪/૦૩/૨૦૨૦ના રોજ માદા દીપડો પુરાયો હતો. પીંજરામાં પુરાયેલ માદા દીપડાની ઉમર ૫ થી ૬ વર્ષ હોવાનું વન વિભાગ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે. દીપડાને હાલ વન ચેતના કેન્દ્ર ઘુમલી ખાતે રખાયો છે શારીરિક તપાસ કર્યા બાદ જરૂર જણાશે તો સારવાર અપાશે અન્યથા બરડા ડુંગરમાં અથવા સાસણ ખાતે દીપડાને મુક્ત કરવામાં આવશે.

બરડા વન્ય પ્રાણી અભ્યારણમાંથી દીપડો અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં આવીને પાલતું પશુ - પ્રાણીના શિકાર કરતો હોવાથી આજુ-બાજુના ગ્રામજનોમાં પણ એક ભયનો માહોલ ઉભો થતો આવે છે. વન વિભાગને વન્ય પ્રાણીઓ પ્રત્યે વધુ તકેદારી રાખવા અને શક્ય એટલા અકસ્માત ટાળવા માટેની સ્થાનીકોમાં લોકમાંગ ઉઠી રહી છે. 

ભાણવડના રાણપર ગામેથી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં સામાજીક વનીકરણના ભાણવડ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી હર્ષાબેન પંપાણીયા, સ્ટાફના સીદાભાઈ વકાતર,કવાભાઇ પાટડીયા,પરાગભાઈ ત્રિવેદી, રાજેન્દ્રસિંહ ઝાલા, ઈબ્રાહીમભાઈ હિંગોરા અને સુખદેવસિંહ જાડેજા વિગેરે સ્ટાફના લોકોએ મળીને આ કામગીરી કરી હતી.