બે ફરાર: રૂ. 55 હજારનો મુદામાલ કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર-જિલ્લામાં સ્થાનિક પોલીસે જુદા-જુદા વિસ્તારમાં દરોડા પાડી ઈંગ્લીશ દારૂની 40 બોટલ અને 40 નંગ ચપટા તથા બીયરના 18 નંગ ટીન સાથે છ શખ્સને ઝડપી લઈ રૂ. 55 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો અને દરોડા દરમ્યાન બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ આરંભી છે.  
મળતી વિગત મુજબ જામનગરમાં ધરારનગર-2 વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રહેતા અનોપસિંહ ભૂપતસિંહ રાઠોડ નામના શખ્સના રહેણાંક મકાને સીટી બી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી અત્રેથી રૂ. 21000 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 36 બોટલ તથા 40 નંગ ચપટા સહિતનો મુદામાલ કબ્જે કરી અનોપસિંહ રાઠોડ નામના આ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 
આ કામગીરી સીટી બી ઇન્ચાર્જ પી.આઈ. સલીમ એન. સાટી, પીએસઆઈ કે.વી. ચૌધરી અને સ્ટાફના રાજેશભાઈ વેગડ, રવિરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, અમિતભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.  
જયારે જામનગરમાં દિ.પ્લોટ 64 ખાતે રહેતા અશોકગીરી ઈશ્વરગીરી ગોસ્વામી નામના શખ્સના રહેણાંક મકાને સીટી એ પોલીસે દરોડો પાડી આ શખ્સની 18 નંગ બીયર સાથે ધરપકડ કરી રૂ. 1800નો મુદામાલ કબ્જે કર્યો હતો.
તેમજ જામનગરમાં કૃષ્ણકોલોની શેરી નંબર 5 અને 6 વચ્ચે આવેલા પરાગ એપાર્ટમેન્ટ ખાતે સીટી એ પોલીસે દરોડો પાડી અત્રેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સહિત રૂ. 800નો મુદામાલ કબ્જે કર્યો હતો અને મકાન માલીક દિપક ઉર્ફે લાંબો ગોવિંદભાઈ ખીચડા નામનો શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરી છે. 
ઉપરાંત જામનગર-રાજકોટ હાઈવે પર હાપા પાસેથી એક્ટીવા નંબર જીજે 10 સીએસ 3775ને અટકાવી તલાશી લેતા આસીફ ગુલામ જેમલાણી અને રજાક રફીકભાઈ સુમરા નામના બે શખ્સને પાંચ એ પોલીસે ઈંગ્લીશ દારૂની બે બોટલ સહિત રૂ. 31000ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા દરમ્યાન ઈમરાન અનવરભાઈ ખેરાણી નામનો શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરી છે. 
અને જામનગર-ખંભાળિયા હાઈવે પરથી જીજે 10 ડીએફ 4656 નંબરમાં બાઈક સવાર સહદેવસિંહ ભરતસિંહ જાડેજા અને જયેશ વિનોદભાઈ પંડયા નામના બંને શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.