• હોળીના દિવસે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ-ભક્તજનો દ્વારકામાં ઉમટી પડશે.

જામનગર મોર્નિંગ - જામનગર/દ્વારકા : ભગવાન કૃષ્ણ ક્યાં વસે છે ? સામાન્ય સવાલનો સીધો જ જવાબ છે  "દ્વારકાનગરી " જી હા, કૃષ્ણ આજે પણ દ્વારકામાં વસે છે. તમે દ્વારકામાં જાવ તો કૃષ્ણ સતત તમારી સાથે આજુ-બાજુમાં જ હોય એવો આભાસ થાય છે. વિક્રમ સવંત ફાગણ સુદ પુનમ હોળીનો દિવસ એટલે કૃષ્ણ સાથે રમવા,ગાવા અને ભમવાનો તહેવાર .  પુનમના દિવસે ગુજરાત સહીત દેશ ભરમાંથી ભક્તજનો ભગવાન ક્રિષ્નાના ચરણોમાં નમવા,કૃષ્ણ સાથે રાસ રમવા આવે છે.

અમદાવાદ,રાજકોટ,ભાવનગર, જામનગર અને દ્વારકા સહીત ગુજરાત ભરના છુટા - છવાયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો પદયાત્રાથી ચાલીને હાલ દ્વારકા તરફ આવી રહ્યા છે. જામનગર થી ખંભાળીયા થઈને દ્વારકા જતો મુખ્ય ધોરી માર્ગ હાલ ભક્તજનોથી ખીચો - ખીચ ભરાઈ રહ્યો છે. આ રોડ પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો પદયાત્રાથી પસાર થઇને દ્વારકાનગરી તરફ જઈ રહ્યા છે. રોડ પર ઠેર - ઠેર રહેવા - જમવાની સુવિધા સાથેના કેમ્પ સેવા ભાવી લોકો દ્વારા કરવામાં આવ્યા છે. સેવા ભાવી લોકો દ્વારા વિનામૂલ્યે ચલાવાતા કેમ્પ પર ચા - પાણી - આઈસ્ક્રીમ, તરબૂચ,નાસ્તો, જમવાની અને આરામ કરવાની પદયાત્રીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. 

પદયાત્રીઓમાં ઘણા લોકો ટ્રેડીશનલ ગોવાળીયાના વેશમાં નાચતા,ગાતા અને રાસ રમતા દ્વારકા તરફ જઈ રહ્યા છે. જામનગર થી દ્વારકા જતા આ રોડ પર હાલ ભક્તિમય,કૃષ્ણમય માહોલ બની ગયો છે આખે રસ્તે "જય દ્વારકાધીશ"ના નાદ ગુંજી રહ્યા છે.

સ્થાનિક હોસ્પિટલ અને સેવાભાવી લોકોની મદદથી રોડ પર કોઈ અકસ્માત સર્જાઈ તો વિનામૂલ્યે એમ્બ્યુલન્સ અને સારવાર પણ અપાઈ રહી છે.

સરકારી તંત્ર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા પણ ફાગણ સુદ પુનમ એટલે કે હોળીના દિવસે ફૂલડોલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
પદયાત્રાથી આવતા લાખોની સંખ્યામાં લોકો હોળીના દિવસે દ્વારકા પહોચી જશે અને તે સિવાય પણ વાહનોથી આવતા લોકો પણ મોટી સંખ્યામાં હોળીના દિવસે દ્વારકા પહોચી જશે.  અને હોળીના દિવસે દ્વારકાધીશના દરબારમાં કૃષ્ણ સાથે ભક્તજનો રાસ,ગરબે રમશે ચરણોમાં નમન કરશે.