• સરકારી વિભાગો પાસેથી મળતી માહિતી સમાચાર સ્વરૂપે મીડિયા આમ જનતા સુધી પહોંચાડે છે ત્યારે મીડિયાને જ માહિતી નહી મળે તો તે માહિતી જનતા સુધી કેમ પહોંચે?  જે કામ જનતા / નાગરિક માટે જ થઇ રહ્યા છે તે કામ જનતા થી જ છુપાવવાનું કેમ?

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : સરકાર, લોકશાહી, લોકતંત્ર, વહીવટી તંત્ર આવા બધા શબ્દોની વ્યાખ્યા સમય પ્રમાણે બદલાઈ તો નથી ગઈને? વહીવટી તંત્રમાં નીચેથી લઈને છેક ઉપર સુધીના હોદ્દા પર ફરજ બજાવતા વ્યક્તિ પ્રજા માટે રાજ્ય સેવક અથવા તો સરકારનો નોકર એવુ દર્શાવાઈ છે. પણ હકીકતમાં આ રાજ્ય સેવક કે સરકારનો નોકર,  સેવક કે નોકર જેવું વર્તન કરે છે પ્રજા સાથે?  અહીતો આ લોકોએ નવી વ્યાખ્યા બનાવી છે અવાર - નવાર સંભળાતા શબ્દો મુજબ અહીં મામલતદારને તાલુકાનો રાજા અને કલેક્ટરને જિલ્લાનો રાજા કહેવાઈ છે.  ગુલામી જતી રહી, પ્રજાતંત્ર આવ્યું પણ આપણે નવા રાજા શોધી લાવ્યા !

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલેક્ટર કચેરી, જીલ્લા પંચાયત કચેરી, પોલીસ વિભાગ સહિત જીલ્લા ભરમાં કાર્યરત કેન્દ્ર રાજ્ય સરકાર અને પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓમાં પત્રકાર જયારે ત્યાંની કામગીરી અંગેની માહિતી લેવા માટે જાય છે.  ત્યારે યેનકેન પ્રકારે માહિતી છુપાવવા, તાત્કાલિક ના આપવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાના અનેક અનુભવ થયાં છે. 

ઉપર જણાવ્યા મુજબની તમામ કચેરીમાં થતા કામો આખરે સાર્વજનિક પ્રજા હિતના હોય છે. જે કામ પ્રજા માટે થતા હોય ત્યાં તે માહિતી છુપાવવાનું કે ના આપવાનું કારણ શું હોય શકે તે સમજવા જેવો સવાલ કરતા જવાબ મેળવવા જેવો સવાલ વધારે છે. 

હા જે કામથી દેશની સુરક્ષાને નુકશાન થાય તેમ હોય,  અમુક એવા ગુપ્ત કામ હોય જે સમય પ્રમાણે સાર્વજનિક કરવાનાં હોય તે સિવાયની આપણે હાલ વાત કરી રહ્યા છે.

સરકારી વિભાગો પાસેથી મળતી માહિતી સમાચાર સ્વરૂપે મીડિયા આમ જનતા સુધી પહોંચાડે છે ત્યારે મીડિયાને જ માહિતી નહી મળે તો તે માહિતી જનતા સુધી કેમ પહોંચે?  જે કામ જનતા / નાગરિક માટે જ થઇ રહ્યા છે તે કામ જનતા થી જ છુપાવવાનું કેમ?

ક્યાંક પોતાની નબળાઈઓ, ક્યાંક એકતરફી નિર્ણયો, ક્યાંક  નિયમથી વિરુદ્ધ મંજૂરીઓ,  ક્યાંક બિલમાં દર્શાવ્યાથી ઓછો ખર્ચ, ક્યાય જરૂરથી વધારે ખર્ચ ક્યાંક હોદ્દાનો દૂરઉપયોગ, ક્યાંક વહાલા દવલાની નીતિ ક્યાંક ભોગવેલ રાજાશાહી આ બધું જનતા જાણી ના જાય એ માટે માહિતી છુપાવતી હશે? કે અન્ય કોઈ કારણ હોય શકે? આ સવાલ, જવાબની રાહ જોવે છે? પણ જવાબ આપનારાઓને સવાલની કે જવાબની ગંભીરતા નથી !

ભરત હુણ - તીરછી નજર(કોલમ)