જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરમાં સરુ સેક્શન રોડ વિસ્તારમાં રહેતા એક કોન્ટ્રાક્ટર યુવાન પર વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણીના પ્રશ્ને હુમલો કરાયો છે. અને એક દંપતીએ લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
મળતી વિગત મુજબ જામનગરમાં સરુ સેક્શન રોડ પર શિવ ટેનામેન્ટ બ્લોક નંબર ૫ માં રહેતા રાજેન્દ્ર નરેન્દ્રભાઈ સોલંકી નામના ૩૫ વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે વિકી ઉર્ફે વિક્રાંત મહેન્દ્રભાઈ ગાંગડીયા અને તેની પત્ની સામે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરીયાદી ના ભાઈ હિતેશ કે જેણે આરોપી વિકી પાસેથી ૨૫ હજાર રૂપિયા ૧૫ ટકાના વ્યાજે લીધા હતા. જે પૈસા ભરપાઇ કરી દીધા હોવા છતાં પણ પૈસાની ઉઘરાણી કરતા હતા. અને આરોપી દંપતી ગઈકાલે ફરિયાદીના ઘરે આવ્યું હતું અને તકરાર કર્યા પછી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, જેથી તેને જીજી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે દંપતી સામે હુમલા અંગે નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.