યુવતીએ ઝેરી દવા પી લીધા પછી પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો :આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યા પછી તરછોડી દીધી હતી
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં  નુરિ ચોકડી વિસ્તારમાં રહેતી એક ત્યકતા યુવતીએ પોતાના ઉપર દુષ્કર્મ ગુજારવાના અંગે રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યા પછી તરછોડી દેતા યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અને જી જી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં ભાનમાં આવ્યા પછી પોલીસે તેનું નિવેદન નોંધતા આ મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપીને દબોચી લીધો છે.
જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નુરી ચોકડી વિસ્તારના પોતાની બહેનના ઘરે રહેતી એક ત્યકતા યુવતી કે જેણે તા ૪.૩.૨૦૨૦ નાં દિવસે ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણી બેશુદ્ધ હતી. અને પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન ગઈકાલે ભાનમાં આવતા પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવ્યું હતું.
 જે નિવેદનમાં પોતાને પ્રેમમાં દગો થયો હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. રબાની પાર્ક વિસ્તારમાં રહેતો હાજી અયુબ ખફી નામનો શખ્સ કે જે આજથી દોઢેક વર્ષ પહેલાં પોતાને લગ્ન કરવાની લાલચ આપી ઉઠાવી ગયો હતો. ત્યાર પછી પોતાની સાથે દુષ્કર્મ આચરી તરછોડી દીધી હતી, અને લગ્ન કરવાનો પણ ઇન્કાર કરી દેતા પોતે જિંદગીથી તંગ આવી જઈ ઝેરી દવા પી લીધી હતી.
 જેથી સીટી એ ડીવીઝન પોલીસે આ મામલે  યુવતીની ફરિયાદના આધારે આરોપી હાજી અયુબ ખફી સામે દુષ્કર્મ ગુજારવા અંગે ની કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધ્યો છે. અને અટકાયતમાં લઇ લીધો છે. યુવતી હાલ જીજી હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. તેણીના અગાઉ લગ્ન થઈ ગયા હતા અને છૂટાછેડા પણ થયા હતા જેને ચાર વર્ષનો પુત્ર પણ છે અને સાથે જ રહે છે.