સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો: ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 
ધ્રોલના ત્રિકોણબાગ પાસે આજે બપોરે એકાદ વાગ્યે એક ગરાસીયા યુવાન પર મોટરમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પૂર્વ પોલીસકર્મીના પુત્ર એવા આ યુવાનને ગંભીર ઈજા થતા તેઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની હાલત અત્યંત નાજુક ગણાવાઈ હતી તે પછી તે યુવાનનું મૃત્યુ નિપજ્યું છે, જયારે ગણતરીના કલાકોમાં જ જામનગર-મોરબી પોલીસના સહયોગથી આરોપીઓ ઝડપાયા.
મળતી વિગત મુજબ ધ્રોલમાં રહેતા દિવ્યરાજસિંહ નામના ગરાસીયા યુવાન આજે બપોરે એકાદ વાગ્યે ધ્રોલના ત્રિકોણબાગ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલીયમ કંપનીના પેટ્રોલ પંપ પાસે હતાં ત્યારે અચાનક ત્યાં ધસી આવેલી એક મોટરમાંથી કેટલાક શખ્સોએ તેઓ પર ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ઓચીંતો જ આવો બનાવ બનતા સતત ચહેલ પહેલવાળા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરો દ્વારા કરાયેલા ફાયરીંગમાં વછુટેલી પાંચ ગોળી પૈકીની ત્રણ ગોળી દિવ્યરાજસિંહના ગળા તથા છાતીના ભાગમાં ઘૂસી ગઈ હતી જ્યારે બે ગોળી હવામાં વિલીન થઈ ગઈ હતી. ગોળી વાગતા ઢળી પડેલા દિવ્યરાજસિંહને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી અને પોલીસને વાકેફ કરાઈ હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઈજાગ્રસ્તની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી હતી તે પછી ઈજાગ્રસ્તનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. 
હુમલાનો ભોગ બનનાર દિવ્યરાજસિંહના પિતા અગાઉ પોલીસતંત્રમાં ફરજ બજાવી ચૂક્યા છે જ્યારે દિવ્યરાજસિંહ સામે પણ કેટલાક ગુન્હાઓ નોંધાયા છે ત્યારે પોલીસે આ બનાવ પાછળ કોઈ જુની અદાવત છુપાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આદરી છે અને જામનગર એસપીએ જણાવ્યા મુજબ આરોપીને રાજકોટ રેન્જ પર મોરબી પોલીસ અને નાકાબંધીની મદદથી લોડેડ હથિયાર સાથે ઝડપી પાડ્યો છે, આ રીતે જામનગર-મોરબી પોલીસના સહયોગથી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.