• લોકડાઉન દરમ્યાન દરરોજ અવિરત બપોર અને સાંજ બંને ટાઈમ મળીને ત્રણ હજાર જેટલાં ગરીબ વ્યક્તિઓને ભોજન પહોંચાડાઇ રહ્યું છે.


જામનગર મોર્નિંગ - નોવેલ કોરોના વાઇરસ કોવીડ -19ના સંક્રમણના પગલે હાલ દેશ 21 દિવસ માટે લોકડાઉન છે.  આવા સમયમાં ગરીબ, શ્રમિક રોજેરોજ કમાઈને જીવન ગુજરાન ચલાવતા પરિવારોને લોકડાઉનના પગલે બે ટાઈમ જમવાની અગવડતા પડી રહી છે.  આવા સમયમાં સામાજીક સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉદાર હાથે ગરીબ લોકોના ઘર સુધી જમવાનું અને અનાજની કીટ જગ્યાએ - જગ્યાએ પહોંચાડાઇ રહી છે.

લોકડાઉનના પગલે ભાણવડના રામેશ્વર પ્લોટ, રેલ્વએ ફાટક પાસે, દુધેશ્વર મંદિર પાસે વિગેરે વિવિધ વિસ્તારમાં જરૂરિયાત મંદ ગરીબ પંદરસો સોળસો જેટલાં વ્યક્તિઓને બંને ટાઈમ બપોર અને સાંજ જમવાનું પહોંચાડવાનું કામ ભાણવડના કર્મનષ્ઠ સ્વયંસેવકો કરી રહ્યા છે.

આ સેવા યજ્ઞમાં સેવા આપતા યોગેશ રાઠોડએ આપેલ માહિતી મુજબ આ સેવા યજ્ઞમાં શહેરના વેપારીઓ, ડોકટરો, વકીલઓ, તમામ રાજકીય પક્ષના કાર્યકરો આગેવાઓ અને શહેરના બીજા અનેક દાતાઓ દ્વારા  ઉદાર હાથે દાન અને સેવા મળી રહી છે.  જે દાનમાંથી આ અન્નો સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યો છે. ભાણવડ શહેર અને ભાણવડના આજુબાજુના ગામડાઓમાં હાલ દરરોજના 1500 - 1600 જેટલાં લોકોને બંને ટાઈમ એટલે કે 3000 -3200 જેટલું આખા દિવસનું તૈયાર ભોજન જરૂરિયાત વાળા વ્યક્તિના ઘર સુધી પહોંચાડાઇ રહ્યું છે.

ભાણવડની મહાજન પાંજરાપોળ ખાતે 50-60 જેટલાં સ્વયં સેવકો દ્વારા ભોજન તૈયાર કરીને શહેર અને ગામડાના વિવિધ વિસ્તારોમાં આ ભોજન પહોંચાડાઇ રહ્યું છે. ખરા સમયે ગંગાજળની જેમ મદદરૂપ થતા આ માનવ સેવાના  યજ્ઞને ભાણવડના સૌ લોકો બિરદાવી રહ્યા છે.

ભાણવડના જરૂરિયાતવાળા લોકો 9825279657 પર સંપર્ક સાધીને આ તૈયાર ભોજન અથવા અનાજની કીટનો લાભ લઇ શકશે તેવું વધુમાં સ્વયં સેવકોએ જણાવ્યું હતું.