• જામનગરમાં ૪૫.૭૦ ઇંચ અને દેવભૂમિ દ્વારકામાં ૪૧.૧૦ ઈચ વરસાદ થયો જે સરેરાશ વર્ષો કરતા પોણા બે ગણો વધારે વરસાદ છે.
ભરત હુણ - તીરછી નજર
જામનગર મોર્નિંગ - જામનગર, દેવભૂમિ દ્વારકા સહીત સમગ્ર ગુજરાતમાં વીતેલા વર્ષ ૨૦૧૯માં ખુબ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો. વર્ષ - ૨૦૧૨થી સતત ઓછા થતા વરસાદએ ખેડૂત અને સરકારમાં ચિંતાનું મોજું પ્રસરાવી દીધું હતું. વર્ષ - ૨૦૧૨ થી વર્ષ - ૨૦૧૮ સુધી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૦ થી ૨૦ ઇંચ જેટલો દર વર્ષે સરેરાશ વરસાદ નોંધાતો હતો. જેના સામે વર્ષ ૨૦૧૯માં જામનગરમાં ૪૫.૭૦ ઇંચ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૪૧.૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જે વીતેલા ૮ - ૧૦ વર્ષોમાં થયેલા વરસાદની સરખામણીએ દોઢ થી પોણા બે ગણા જેટલો વધારે છે.

વર્ષ -૨૦૧૯ના વર્ષાઋતુના ત્રણ મહિના સરેરાશ વર્ષની જેમ એકદમ ઓછા વરસાદમાં જ જતા રહ્યા પણ સપ્ટેમ્બરના છેલ્લા દિવસો અને ઓક્ટોમ્બરના શરૂઆતના દિવસોમાં મુશળધાર વરસાદ થયો. મુશળધાર વરસાદથી  જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ તમામ તળાવ,ચેકડેમ,નદી - નાળા છલી વળ્યા. ૮-૧૦ વર્ષથી તળીયા ઝાટક થયેલા ડેમો છલી વળ્યા, નદીઓ સામ - સામે બે કાંઠે થઇ ગઈ. ખેડૂતોના ખેતરોમાં આવેલા કુવાઓમાં પણ જળ સપાટી ઉંચી આવી ગઈ. ડીસેમ્બર - જાન્યુઆરી સુધી ડુંગરાળ અને તળાવ નજીકના વિસ્તારોમાં ઝરણા સ્વરૂપે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો.

હાલ ખેડૂતોના ખેતરોમાં ઉનાળુ પાક, તલ, બાજરી, ડાંગર, મરચી, ગુવાર, ટમેટા સહિતના શાકભાજી, ફળ - ફળાદી જેમાં તરબૂચ જેવા પાકોનું વાવેતર થયેલ છે. ગયા વર્ષે સારા પ્રમાણમાં થયેલ વરસાદને પગેલ મોટા ભાગના ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે.

ઉનાળુ પાક હજી એક થી દોઢ મહિનો જેટલો સમય ખેતરોમાં ઉભો રહશે. એવામાં અચાનક જ મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ માટેના પાણી ખૂટી રહ્યા છે. તળાવો અને કેનાલો નીકળે છે તે વિસ્તારને બાદ કરતા જ્યાં ફક્ત કુવા - બોર આધારિત ખેતી થાય છે ત્યાં જે કુવા-બોર માંથી ૩-૪ એકરમાં પિયત થયેલ છે ત્યાં મહામુસીબતે પણ ૧ એકરમાં પિયત થઇ શકે એટલું પાણી બચ્યું છે. આવી કપરી સ્થિતિમાં પાણીની તંગીને લીધે ઉનાળુ પાકમાં નુકશાન જવાની પુરતી આશંકા ખેડૂતોમાં વર્તાઈ રહી છે. સરેરાશ જોઈએ તો ૩ થી ૫ એકર જેટલી પ્રત્યેક ખેડૂત પાસે ખેતીની જમીન આવેલ હોય એવામાં ૧ - ૨ એકરમાં પિયત થાય તેટલું પાણી કુવા - બોરમાં રહેતા બાકીનો અડધો તૈયાર થયેલો પાક સુકાવા દેવો કે શું કરવું ? તે મહામુસીબત જામનગર દ્વારકાના ખેડૂતમાં પ્રશ્નાર્થ બની રહી છે.

જામનગર અને દ્વારકામાં થયેલા ૪૫ અને ૪૧ ઇંચ જેટલો વરસાદ થાય તો ખેડૂતોના મતે ૨-૩ વર્ષ પાણીની ચિંતા રહે નહી પાણીની જળસપાટી ઉંચી આવી જાય. વર્ષની ખરીફ,રવી અને ઉનાળુ એમ ત્રણેય મોસમ લઇ શકાય. 
મુશળધાર વરસાદ પડવા છતાં કુવા - બોરના તળ નીચે જઈ રહ્યા હોવાનું એક કારણ એ પણ હોય શકે કે વરસાદ આખી સીઝનમાં મુખ્ય બે જ વખત પડ્યો એટલે પૂરતા પ્રમાણમાં જમીનમાં પાણી ઉતર્યા નહી હોય અને વરસાદી પાણી પ્રવાહ સ્વરૂપે તળાવોમાં થઈને દરિયા સુધી વહી ગયું હોય. અને બીજું કારણ એ પણ હોય શકે કે મોટા તળાવોને બાદ કરતા ગામડાઓમાં નાના - નાના ચેકડેમ આવેલ છે તે મોટા ભાગના તુટી ગયા છે. તો અમુક ચેકડેમ માટી - કાપથી ભરાયેલા હોવાથી પાણી રોકવામાં અસમર્થ રહે છે. આથી પાણી જરૂરી માત્રમાં રોકાઈ નહી અને તળાવો - નદીઓમાં થઈને દરિયા કે ખાડી સુધી પહોચી જાય. પુરતી માત્રામાં પાણી રોકાઈ નહી એટલે જમીનની જળ સપાટીમાં ઊંડે સુધી પાણી ઉતરે નહી જેથી હાલ ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીના તળ ઉંડા જતા રહ્યા પરિણામે ખેડૂતોના ઉભા પાક સુકાવા દેવાની નોબત આવી છે.