• પોલીસ કર્મી સામે આગામી 2-3 દિવસમાં પગલાં ભરવાની જીલ્લા પોલીસ વડાની મૌખિક બાંહેધરી.


જામનગર મોર્નિંગ, તા. 21 ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા જીલ્લા મથકે સરકારી ફરજ પર જતા પંચાયતી તલાટી મંત્રીને પોલીસએ લાફા મારીને ગેર વર્તન કર્યું હતું. મંત્રીને માર મારતા જીલ્લા ભરના તલાટીઓ જીલ્લા કચેરી દોડી ગયા હતાં અને કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડાને આવેદન આપીને પોલીસ કર્મી પર કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં પંચાયત કેડરમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પોતાની કાયદેસરની સરકારી ફરજ પર જઈ રહ્યા હતાં એ દરમ્યાન પોલીસ કર્મી  એ તલાટી મંત્રીને માર માર્યો હતો. આ બનાવની જાણ થતા દેવભૂમિ દ્વારકા જીલ્લા તલાટી મંડળના હોદ્દેદારો જીલ્લા ભરના તલાટીઓ પોલીસ કર્મી વિરુદ્ધ પગલાં લેવા માટે જીલ્લા કચેરીએ પહોંચ્યા હતાં. તલાટી મંત્રીઓએ જીલ્લા વિકાસ અધિકારી,  જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદન પત્ર આપીને પોલીસ કર્મી વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરી હતી. 
તલાટીઓની રજૂઆતના પગલે જીલ્લા પોલીસ વડાએ ભોગ બનનાર તલાટી મંત્રી, જીલ્લા ભરના તલાટીઓ અને જીલ્લા વિકાસ અધિકારીને પોલીસ કર્મી પર  આગામી 2-3 દિવસમાં પગલાં લેવાની મૌખિક બાંહેધરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેક્ટરએ જીલ્લા પોલીસ વડાને પત્ર લખીને સરકારી ફરજ પર જતા કર્મચારીઓને પોલીસ દ્વારા બિનજરૂરી પુછપરસ ના કરવા અને માત્ર ઓળખપત્ર જોઈને જવા દેવા એવી પત્ર દ્વારા સૂચના અપાઈ હતી. 

કલેક્ટરએ જીલ્લા પોલીસ વડાને સરકારી કર્મચારીઓને હેરાન ના કરવાની લેખિત સૂચના અપાઈ છતાંય ખંભાળીયા પોલીસ કર્મીએ તલાટીને માર માર્યો ત્યારે આ બનાવને જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા અને જીલ્લા વિકાસ અધિકારી કેટલી ગંભીરતા પૂર્વક લેશે તે જોવું રહ્યું.