અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ૧૧,૦૦૦નો ચેક એનાયત કરી શ્લોક શાહ એ કરી અનેરી દેશસેવા : છોટી કાશીમાં અનુદાનનો અવિરત પ્રવાહ
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર છોટીકાશી તરીકે વિખ્યાત છે. જામનગરમાં હાલ કોરોના વાયરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના ૯ વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે આજરોજ તેના દસમાં વર્ષના પ્રવેશના જન્મદિન નિમિત્તે અનેરી ઉજવણી કરી છે. જન્મદિનની ઉજવણીમાં બાળકો અનેક મોજશોખ પાછળ જ્યારે ખર્ચ કરતા હોય છે ત્યારે આ ૯ વર્ષના બાળકે પોતાના જન્મદિન નિમિત્તે  રૂ. ૧૧,૦૦૦ મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. 
રાજ્યમંત્રીશ્રીને અનુદાનનો ચેક અર્પણ કરતાં સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્લોક મિહિરભાઈ શાહે કહ્યું હતું કે, જન્મદિવસ ઉજવવાના બદલે આ રૂપિયા દ્વારા હું દેશની જે સેવા કરી શકું તે મારાથી બનતી કરવા માટે મારા જન્મદિવસની ઉજવણીના આ રૂ.૧૧,૦૦૦ હું મુખ્યમંત્રી રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આવી રહ્યો છું. માત્ર ૯ વર્ષની ઉંમરે આવી પરિપકવતા સાથે દેશદાઝ ધરાવતા આ બાળકની અનેરી ઉજવણી અન્ય બાળકો માટે તો પ્રેરણારૂપ છે જ પરંતુ અનેક વડીલો માટે પણ આ એક પ્રેરણારૂપ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ નાની ઉંમરે આવા દેશસેવાના વિચારો બદલ રાજ્યમંત્રીશ્રીએ બાળકને બિરદાવ્યો હતો. આ અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ બાળક શ્લોક સાથે વિડિયો કોંફરંસના માધ્યમ દ્વારા વાતચીત કરી હતી અને શ્લોકને તેના આ ઉત્કૃષ્ટ પગલા માટે બિરદાવ્યો હતો.